કર્તવ્ય જીવદયા ટ્રસ્ટ દ્વારા એસપીને લેખિત રજૂઆત કરાઈ મોરબી : મોરબીમાં એકસાથે 20 કૂતરાઓને ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતારનાર સામે કડક કાર્યવાહી કરવા બાબતે કર્તવ્ય જીવદયા ટ્રસ્ટના પ્રમુખ વિશ્વ કોરીંગા, ઉપપ્રમુખ દીપ મેરજા, સેક્રેટરી દીપ બારૈયા દ્વારા એસ.પી. એસ. આર. ઓડેદરાને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે કર્તવ્ય જીવદયા કેન્દ્રની એનીમલ હેલ્પલાઇન નંબર પર કોલ આવતા સંસ્થાને જાણવા મળ્યું હતું કે મોરબીના આંબેડકરનગર-વીસીપરા વિસ્તારમાં કોઈ અજાણ્યા શખ્સે એકસાથે 20થી વધુ કૂતરાઓને ઝેરી પદાર્થ ખવડાવી દીધો હતો. આ બાબતની જાણ થતા કેન્દ્ર દ્વારા તે તમામ શ્વાનને બચાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. પરંતુ ઝેર પ્રસરી ગયું હોવાના કારણે બધાંના મોત થયા હતા. આ બનાવની જાણ સંસ્થાના સભ્યો રૂબરૂ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી કરવા ગયા હતા. ત્યારે એવો જવાબ મળ્યો હતો કે 'કૂતરા માટે અમારી પાસે સમય નથી. તમને જે કરવું હોય તે કરો. અમારે બીજા ઘણા કામો પડ્યા છે. અમારી પાસે આ બાબતમાં સંવેદનાની આશા રાખતા નહીં.' આથી, શું અબોલ જીવોને જીવવાનો અધિકાર નથી? શું પ્રાણી અત્યાચારના કાયદાઓ કોઈ કામ કરતા નથી? તેવા સવાલો રજૂઆતમાં ઉઠાવવામાં આવ્યા હતા. જો આવા વિકૃત કૃત્ય કરનાર અજાણ્યા આરોપીને સજા નહીં થાય તો હજી આવા કેટલા અબોલ જીવોને મોતને ઘાટ ઉતારશે? આવા સવાલ સાથે અપીલ કરવામાં આવી છે કે માણસાઈની દ્રષ્ટિએ આ બનાવની નોંધ લઇ પોલીસ પોતે ફરિયાદી બને. અને આ કેસમાં તપાસ ચલાવીને અબોલ જીવોને યોગ્ય ન્યાય મળે. આમ, કર્તવ્ય જીવદયા ટ્રસ્ટ દ્વારા આ બનાવ અંગે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.