આઝાદીથી અત્યાર સુધીમાં ટંકારાને ફાયર સુવિધા જ ન મળતા આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવી નોબત : ફાયર બ્રિગ્રેડ આવે ત્યાં સુધીમાં ફેક્ટરીઓમાં લાખો-કરોડોનું થઈ જતું નુકશાન ટંકારા : વિશ્વ વિભૂતિ સ્વામી દયાનંદ સરસ્વતીના જન્મસ્થળ તરીકે જાણીતા ટંકારા તાલુકો આજના આધુનિક ટેકનોલોજીના યુગમાં પણ વિકાસથી હજુ જોજનો દૂર રહ્યો છે. ખાસ કરીને સૌથી મોટી દુર્ભાગ્યપૂર્ણ બાબત એ છે કે આટલા મોટા ટંકારા તાલુકામાં મહત્વની એવી ફાયર સુવિધા જ નથી. આઝાદીથી માંડીને અત્યાર સુધીમાં ટંકારા તાલુકાને ફાયર સુવિધા મળી જ નથી. તેથી, અંદાજીત 1 લાખની વસ્તી, 900 જેટલી ફેકટરીઓ ભગવાન ભરોસે મુકાઈ ગઈ છે. જ્યારે કોટન મીલ, પોલીપેક ઉદ્યોગો, કેમિકલની ફેકટરીઓમાં વારંવાર આગ લાગે ત્યારે રાજકોટ, ધ્રોલ, વાંકાનેર અને મોરબીનો આશરો લેવો પડે છે. આવી જગ્યાએ આગ લાગે ત્યારે ફાયર બ્રિગ્રેડ આવે ત્યાં સુધી લાખો-કરોડનું નુકશાન થઈ જાય છે. ભૂતકાળમાં આગની આવી અનેક ઘટના બન્યા પછી પણ ટંકારામાં ફાયરની સુવિધા આપવામાં જવાબદાર તંત્રની ઊંઘ જ ઊડતી નથી. થોડા દિવસ પહેલા રાજકોટની હોસ્પિટલમાં બનેલા અગ્નિ કાંડને લઈને જ્યારે સુપ્રીમ કોર્ટ અને સરકાર પણ જાગૃતિ દાખવવા દબાણ કરી રહી છે. ત્યારે સવાલ એ છે કે ટંકારાને ઠારવા માટેનું ઠામ ક્યારે મળશે? રાજકોટની કોવિડ હોસ્પિટલમાં અગ્નિકાંડની દુર્ઘટના પછી રાજ્ય સરકારે તપાસના આદેશો આપ્યા છે. તેથી, રાજ્યમાં ફાયર સુવિધાઓ મામલે સઘન ચકાસણી કરવામાં આવી છે. પણ ટંકારામાં તો ફાયર સુવિધા જ નથી.તો ચકાસણી શેની કરવાની? ટંકારામાં હજુ સુધી ફાયર બ્રિગ્રેડની સુવિધા મળી નથી એના માટે બેશક સરકાર કે તંત્ર જવાબદાર હશે જ. પણ સ્થાનિક નેતાગીરી પણ નબળી પુરવાર થઇ છે તે સૌથી મોટી ગંભીર બાબત છે ટંકારામાં ફાયર સુવિધા ઉપલબ્ધ કરવા માટે દરેક પક્ષના નેતાઓએ એકી અવાજે બુલંદ માંગ કરવી જોઈતી હતી. પણ અફસોસ તે કરી શક્યા નથી. જેના કારણે આજે પણ ટંકારા તાલુકો આગ વખતે ભગવાન ભરોસે જ રહે છે. ટંકારા તાલુકો વિકાસ કરવા માટે પાંખ તો વિસ્તારી રહ્યો છે. પણ ઉડવા માટે જે પ્લેટફોર્મ મળવું જોઈએ તે મળતું નથી. એટલે સરકારની ઉદાસીનતાને કારણે ટંકારા તાલુકો આજે પણ પછાત જ રહ્યો છે. ખાસ કરીને ઉદ્યોગકારો સહિતના અનેક લોકોની વર્ષોથી ટંકારામાં ફાયર સુવિધાઓ આપવાની માંગ હજુ ક્યારે પૂર્ણ થશે એ નક્કી ન નથી. ટંકારામાં હાલ અંદાજીત 1 લાખની વસ્તી છે. 900થી વધુ ફેકટરીઓ છે. હજારો બિલ્ડીંગો છે અને હજુ નવી બિલ્ડીંગો બની રહી છે પણ ફાયર સુવિધાના અભાવે આ બધું જ રામભરોસે છે. 900 ફેકટરીઓ કોટન મીલ, કેમિકલ ફેકટરીઓ સહિતના ઉધોગોમાં વારંવાર આગના બનાવો બને છે. ત્યારે રાજકોટ અને મોરબીના આશરે રહેવું પડે છે. તેમાંય કોટન મીલ, કેમિકલ ફેકટરીઓ આગ લાગે ત્યારે થોડો પણ વિલંબ થાય તો મોટી આફત આવી શકે છે. એના બદલે થોડો નહિ ઘણો વિલંબ થાય છે. કારણ કે રાજકોટ કે મોરબીથી ફાયર સુવિધા આવતા ખાસ્સો સમય લાગે છે ત્યાં સુધીમાં તો ઘણું નુકશાન થઈ ચૂક્યું હોય છે. ત્યારે હવે રાજકોટની ઘટના પછી ટંકારામાં નેતાગીરીને નક્કર કાર્યવાહી કરવાનો સમય પાકી ગયો છે.