કાર્યક્રમમાં ધારાસભ્ય બ્રિજેશ મેરજા સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા : કન્યાના ઘરે જ લગ્ન પ્રસંગ યોજાશે, 40 યુગલો પ્રભુતામાં પગલાં માંડશે મોરબી : મોરબી, થાન અને વાંકાનેરના વરીયા પ્રજાપતિ સમાજ સમૂહલગ્ન સમિતિ દ્વારા 34માં સમૂહ લગ્નનું આયોજન આગામી તા. 10 ડિસેમ્બરના રોજ કરવામાં આવ્યું છે. કોરોના મહામારીના કારણે આ વર્ષે સમૂહ લગ્ન સૌના ઘરે જ એટલે કે જાહેર સ્થળ પર નહીં પરંતુ કન્યાના ઘરે જ લગ્ન પ્રસંગ રાખવામાં આવશે. આ આયોજનમાં મોરબી, વાંકાનેર અને થાનના વરીયા પ્રજાપતિ સમાજના 40 જેટલા યુગલોએ પ્રભુતામાં પગલાં માંડશે. તેમજ માર્યાદિત મહેમાનોની હાજરીમાં કોરોના વાયરસની ગાઈડ લાઈનના પાલન સાથે લગ્ન સંપન્ન કરાશે. આ તકે સમૂહલગ્નના આયોજકો અને સમાજના અગ્રણીઓ દ્વારા કન્યાઓને વરીયા માતાજી ફોટાવાળા ચાંદીના સિક્કા, સોનાના દાગીના સહીત 75 વસ્તુઓ કરિયાવરમાં ભેટમાં આપવામાં આવી હતી. જેને અનુલક્ષીને મોરબીના સો ઓરડી વિસ્તારમાં વરીયા મંદિર ખાતે મોરબી-માળીયા (મી.) વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાના હસ્તે મોરબીની કન્યાઓને કરિયાવર અર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ ધારાસભ્ય બ્રિજેશભાઈનું વરીયા સમાજના અગ્રણીઓ દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આ વેળાએ બ્રિજેશભાઈએ કોરોના કાળમાં વરીયા સમાજના સમૂહલગ્નના આયોજનની સરાહના કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહેમાન તરીકે મોરબી જીલ્લા ભાજપના મહામંત્રી જ્યોતિસિંહ જાડેજા તેમજ મોરબી શહેર મંત્રી ભાવેશભાઇ કંઝારીયા, કાઉન્સીલર જશવંતીબેન સુરેશભાઈ શીરોહીયા, કાઉન્સીલર ગૌતમભાઇ સોલંકી, ભૂતપૂર્વ કાઉન્સીલર સુરેશભાઈ શીરોહીયા, વાય. બી. જાડેજા, ગીરીરાજસિંહ જાડેજા, બળવંતભાઈ શનાળીયા, જયવંતસિંહ જાડેજા, રમેશભાઈ વડસોલા, હરીભાઇ ભરવાડ, ભીખાભાઈ સોલંકી, જનકસિહ ઝાલાએ ઉપસ્થિત રહી આયોજનની શોભા વધારી હતી. સમાજના અગ્રણીઓ દ્વારા મહેમાનોનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે વરીયા પ્રજાપતિ સમાજ સમુહલગ્ન સમિતિના પ્રમુખ ગોકળભાઈ ભોરણીયા તથા ઉપપ્રમુખ પ્રવિણભાઇ વારનેશીયા, પંકજભાઇ વારનેશીયા, નાથાભાઇ સવાડીયા, કાન્તીલાલ કણસાગરા, રાજકોટથી ભાજપના આગેવાન નરેશભાઈ પ્રજાપતિ, રવિભાઇ જોષી સહિતના આગેવાનોના વરદ હસ્તે મોરબીની કન્યાઓને કરિયાવર આપવામાં આવ્યો હતો. અને અગ્રણીઓએ યુગલોને સુખી દામ્પત્ય જીવનના આશીર્વાદ પાઠવ્યા હતા. તેમજ અન્ય કન્યાઓના ઘરે કરીયાવર પહોંચાડવામાં આવ્યો હતો. આ સમૂહલગ્ન સમિતિના સભ્યોએ આયોજનને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.