રબરના ભાવમાં વધઘટના જોખમ સામે સુરક્ષા પ્રાપ્ત કરવા માટે મદદ મળશે મુંબઈ : દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સને બજારના નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ની કુદરતી રબરમાં વાયદા કામકાજ શરૂ કરવા માટે મંજૂરી મળી છે. હવે એમસીએક્સ પર ટૂંક સમયમાં રબરના વાયદામાં કામકાજ શરૂ થઈ શકે છે. દેશમાં કુદરતી રબરના ઉત્પાદન અને આયાતના સંદર્ભમાં મોટા બજારને ધ્યાનમાં રાખતા બજારના સહભાગીઓ માટે આ રબરના વાયદાનું વિશેષ મહત્વ છે. રબર વાયદા કામકાજ શરૂ થવાથી રબરના ઉત્પાદકો, ટ્રેડર્સ, નિકાસકારો, આયાતકારો અને અંતિમ વપરાશકાર તરીકે આ માલનો ઉપયોગ કરનારા ઉદ્યોગો સહિત સંબંધિત પક્ષોને રબરના ભાવમાં વધઘટના જોખમ સામે સુરક્ષા પ્રાપ્ત કરવા માટે મદદ મળશે. કુદરતી રબર, હેવિયા બ્રેસિલિએન્સિસ વૃક્ષોને લેટેક્સમાંથી બનાવવામાં આવેલા ઈલાસ્ટિક પોલિમર પદાર્થ છે. તેને વૃક્ષના દોહન કરવાની પ્રક્રિયા મારફત એકત્રિત કરવામાં આવે છે અને તેને શુદ્ધ કરીને સંગ્રહ કરી શકાય એવા વ્યવસાયિક સ્વરૂપમાં પરિવર્તિત કરવામાં આવે છે. તેના પ્લાન્ટેશનમાં છઠ્ઠા વર્ષ પછી તેની ઊપજ શરૂ થાય છે, તેનું આર્થિકરીતે આયુષ્ય 32 વર્ષનું હોય છે. હાલના દસકામાં વિશ્વભરમાં કુદરતી રબરના વપરાશમાં સતત વૃદ્ધિ થઈ છે અને કાચા માલની માગ માટે એશિયા વિકાસની કેડી પર આગળ વધી રહ્યું છે. થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા, ભારત, ચીન, મલેશિયા, વિયેટનામ રબરના મુખ્ય ઉત્પાદકો છે. ભારત કુદરતી રબર ઉત્પાદનમાં છઠ્ઠા અને વિશ્વમાં ઉપયોગમાં બીજા સ્થાને છે. જોકે, દેશનો કુલ વપરાશ ઉત્પાદનથી વધુ છે, પરંતુ ભારત જ્યારે પણ આંતરરાષ્ટ્રીય બજાર અને સ્થાનિક બજાર વચ્ચે ભાવમાં તફાવત હોય છે, ત્યારે કુદરતી રબરની નિકાસ કરે છે. ટાયરના નિર્માણ ક્ષેત્રમાં વૈશ્વિક રબર ઉત્પાદનનો લગભગ 50થી 60 ટકા હિસ્સાનો ઉપયોગ થાય છે. આ ક્ષેત્રમાં કુદરતી કે સિન્થેટિક રબરનો ઉપયોગ અલગ-અલગ કરી શકાતો નથી, તેનું મિશ્રણ કરવું પડે છે. રબરનો ઉપયોગ વિભિન્ન ઉદ્યોગો જેમ કે ઓટોમોબાઈલ, એયરોનોટિક્સ, ઈલેક્ટ્રિકલ અને ઈલેક્ટ્રોનિક્સ, મટીરિયલ હેન્ડલિંગ, આરોગ્ય સંભાળ, પાવર ટ્રાન્સમિશનના ઉપયોગમાં કરવામાં આવે છે અને તેના અન્ય ઘણા ઉપયોગો પણ છે. રબરના ભાવને અસરકરતાં પરીબળોમાં વૈશ્વિક અને ઘરેલૂ ઉત્પાદન, વૈશ્વિક અને ઘરેલૂ વપરાશ, મોસમની સ્થિતિ, કેરીઓવર સ્ટોકની સ્થિતિ, કરન્સી બજારની વધઘટ, ક્રૂડ તેલના ભાવનો સમાવેશ થાય છે. રબરના સૌથી મોટા ખરીદદાર ચીનમાં વપરાશકારોની માગમાં મજબૂત સુધારો અને દક્ષિણ પૂર્વ એશિયાથી ઓછા પુરવઠાને લીધે રબર છ વર્ષની ઊંચાઈ પર પહોંચ્યું છે. થાઈલેન્ડમાં ફિઝીકલ રબરના ભાવ ધીમા ઉત્પાદન અને ચીનની મજબૂત માગને પ્રતિબિંબિત કરવા માટે ટેકો પૂરો પાડે છે. વૈશ્વિક સ્તર પર, પાંદડા ખરવા ઉપરાંત દક્ષિણ-પૂર્વ એશિયામાં ઘોડાપૂરથી રબર ઉત્પાદનને અસર થઈ છે. એએનઆરપીસીના આંકડાથી માલૂમ પડે છે કે આ વર્ષ જાન્યુઆરી-ઓગસ્ટમાં વૈશ્વિક રબર ઉત્પાદન 8.7 ટકા ઘટી 7.78 મિલિયન ટનનું રહી ગયું છે. એસોસિયેશનનો અંદાજ છે કે ઉત્પાદન 6.8 ટકા ઓછું રહી 12.90 મિલિયન ટનનું રહેશે. ભારતમાં, રબર બોર્ડના આંકડાથી માલૂમ પડે છે કે આ વર્ષ એપ્રિલ-જુલાઈમાં ઉત્પાદન 1.34 લાખ ટન ઓછું 26.8 ટકા હતું. થાઈલેન્ડના રબરના બગીચામાં પાંદડા ખરવાના રોગ ભારતીય ઉત્પાદકો માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. રબરના વાયદા કોન્ટ્રેક્ટ્સ શરૂ થવાથી ભાવની વધઘટના જોખમ સામે સુરક્ષા પ્રાપ્ત થશે. રબરના આ વાયદા કોન્ટ્રેક્ટ્સમાં સંભાવિત કોન્ટ્રેક્ટ્સના ધારાધોરણોની વિશેષતાઓ પર એક નજર કરીએ તો, તેનો બજારનો સમય સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીનો રહેશે. ભાવનું ક્વોટ ક્વિન્ટલ (100 કિ.ગ્રા.)દીઠ રૂપિયામાં રહેશે. ડિલિવરી અને ટ્રેડિંગ માટે લોટ સાઈઝ 1 મે.ટન (1000 કિ.ગ્રા.)નું હશે. કોન્ટ્રેક્ટનું અંદાજિત મૂલ્ય ક્વિન્ટલદીઠ રૂ.16,000ના હિસાબે 1 મે.ટનના રૂ.1,60,000નું થવા જાય છે. તેની ટિક સાઈઝ રૂ.1ની રહેશે. ટિકદીઠ રૂ.10નો નફો/નુકસાન થશે. દૈનિક ભાવ મર્યાદા 4 ટકાની અને અંદાજે પ્રારંભિક માર્જિન 8 ટકાનું હશે. તેમાં ટ્રાન્ઝેક્શન ચાર્જિસ રૂ.350 કરોડના ટર્નઓવર સુધી લાખદીઠ રૂ.2.60નું, રૂ.350 કરોડથી વધુના ટર્નઓવર પર લાખદીઠ રૂ.1.75 અને દૂરની ડિલિવરીના કોન્ટ્રેક્ટ્સમાં લાખદીઠ રૂ.1.30નો ટ્રાન્ઝેક્શન ચાર્જિસ લાગુ પડશે. મૂળ ડિલિવરી કેન્દ્ર પલક્કડ (કેરળ) હશે અને આ કોન્ટ્રેક્ટ ફરજિયાત ડિલિવરીના હશે.