મોરબી : ખેડૂતોની ત્રણ કૃષિ કાનૂન રદ કરવાની માંગ સાથે ચાલી રહેલ લડાઈમાં આવતીકાલે મંગળવારે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેની મોરબી જિલ્લામાં અસર નહિવત જેવી રહે તેવું લાગી રહ્યું છે કારણકે જિલ્લામાં પેટ્રોલ પંપ અને એસટી બસ સેવા ચાલુ જ રહેવાની છે. માત્ર મોરબી યાર્ડ બંધ રહેવાનું છે. એસટી સેવા બંધ રાખવાનો કોઈ આદેશ નથી, માટે બસો ચાલુ જ રહેશે : એસટી ડેપો મેનેજર મોરબી એસટી ડેપો મેનેજર દિલીપભાઈ સામળાએ જણાવ્યું કે ઉપરથી એસટી સેવા બંધ રાખવાનો કોઈ આદેશ નથી. માટે એસટી બસ સેવા રાબેતા મુજબ જ ચાલશે. દરેક બસો સામાન્ય દિવસોની જેમ જ ચાલશે. જેની મુસાફરોએ નોંધ લેવી. પેટ્રોલ પંપ ચાલુ જ રહેશે : હર્ષદભાઈ કડીવાર( પેટ્રોલિયમ ડિલર્સ એસો. પ્રમુખ) મોરબી જિલ્લા પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશન પ્રમુખ હર્ષદભાઈ કડીવારે જણાવ્યું કે પેટ્રોલ- ડીઝલ આવશ્યક ચીજ વસ્તુમાં આવે છે. આવતીકાલે તમામ પેટ્રોલ પંપ ચાલુ જ રહેવાના છે. તેઓએ ઉમેર્યું કે લોકડાઉન વખતે પણ ઇમરજન્સી સેવા માટે પેટ્રોલ પંપ ચાલુ રહ્યા હતા. ચેમ્બરની આમાં કોઈ ભૂમિકા રહેતી નથી : જયંતિભાઈ પટેલ( ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ) મોરબી ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ જયંતીભાઈ પટેલે જણાવ્યું કે કિસાન સંઘે ભારત બંધનું એલાન આપ્યું છે. ચેમ્બર ઓફ કોમર્સની આમાં કોઈ ભૂમિકા રહેતી નથી. કોઈ પણ વેપારી સંગઠન પોતાની રીતે સ્વતંત્ર બંધમાં જોડાવું હોય તો જોડાઈ શકે છે. અંતમાં તેઓએ કહ્યું કે સરકારે હકારાત્મક અભિગમ દાખવી આંદોલન પૂરું થાય તેવા પ્રયાસો કરવા જોઇએ. દલાલ મંડળનો બંધને ટેકો હોવાથી યાર્ડ બંધ રહેશે : રજનીકાંત બરાસરા( દલાલ મંડળ પ્રમુખ) મોરબીના દલાલ મંડળના પ્રમુખ રજનીકાંત બરાસરાએ જણાવ્યું કે મંડળ ભારત બંધના એલાનને ટેકો આપે છે. માટે યાર્ડમાં હરાજી સહિતની પ્રક્રિયા બંધ રહેશે. જેથી ખેડૂતોને અપીલ છે કે તેઓ આવતીકાલે યાર્ડ સુધી ધક્કો ન ખાય. હળવદ યાર્ડ ચાલુ, ખેડૂતો માલ લઈ આવશે તો હરરાજી કરીશું : મહેશભાઈ પટેલ ( યાર્ડ સેક્રેટરી) હળવદ માર્કેટ યાર્ડના સેક્રેટરી મહેશભાઇ પટેલએ જણાવ્યું હતું કે હળવદ માર્કેટ યાર્ડ આવતીકાલે ચાલુ છે. જો ખેડૂતો માલ વેચવા માટે આવશે તો હરરાજી કરવામાં આવશે અને જો ના આવે તો હરરાજી કાર્ય બંધ રહેશે તેમ જણાવ્યું હતું. જ્યારે ખેડૂત આગેવાન રતનસિંહ ડોડીયાએ જણાવ્યું કે ખેડૂતો પોતાની માંગને લઈ રોડ પર છે. ત્યારે દરેક ખેડૂતો અને આમ નાગરિક બંધમાં જોડાઈ તેવી અપીલ છે. ભારત બંધના એલાનને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો ટેકો આવતીકાલે ભારત બંધનું એલાન છે. જેને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતની 11 રાજકીય પાર્ટીઓએ ટેકો જાહેર કર્યો છે. જેથી આપ અને કોંગ્રેસના સ્થાનિક આગેવાનોએ પણ ભારત બંધના એલાનને ટેકો આપી તેને સમર્થન આપવા જાહેર અપીલ કરી છે.