એકથી દોઢ વર્ષ કામ ચાલે તેવો અંદાજ : દોઢ કિમિ લાંબો રનવે બનશે, ટૂંક સમયમાં ડીઆઈએલઆર અને ડીમાર્કેશનની કાર્યવાહી હાથ ધરાશે મોરબી : મોરબીવાસીઓની વર્ષો જૂની માંગ હવે પૂર્ણ થવામાં છે. હવે બસ એક કે દોઢ વર્ષે મોરબીવાસીઓને એરપોર્ટ મળે તેવી ઉજળી સંભાવનાઓ હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. કારણ કે ઉડ્ડયન વિભાગની ટીમે રાજપર ગામે સ્થળ વિઝીટ લઈને એરપોર્ટની જમીનનો કબજો મેળવી લીધો છે. મોરબીના રાજપર ગામે એરપોર્ટ બનાવવાની ગતિવિધિ તેજ બની છે. ઉડ્ડયન વિભાગના સુપ્રીટેન્ડેન્ટ ઈજનેર રાયજાદા અને જમીન સંપાદન અધિકારી સમીર બૂંદેલાએ ગઈકાલે રાજપર ગામે એરપોર્ટની જગ્યાની મુલાકાત લીધી હતી અને સ્થાનિક તંત્ર પાસેથી જમીનનો કબજો મેળવ્યો હતો. આ દરમિયાન માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર હિતેશભાઈ આદ્રોજા અને તાલુકા પંચાયત સદસ્ય વિજયભાઈ કોટડીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. તેવી માહિતી એરપોર્ટની સરકારમાં લેખિત માંગણી કરનાર વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી હસુભાઈ ગઢવીએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે હવે ટૂંક સમયમાં ડીઆઈએલઆર અને ડીમાર્કેશનની કાર્યવાહી હાથ ધરાશે. હાલ એરપોર્ટ માટે રૂ. 40 કરોડ ફાળવવામાં આવ્યા છે. જેમાંથી ત્યાં કમ્પાઉન્ડ વોલ, રનવે અને બિલ્ડીંગ બનાવવામાં આવનાર છે. અહીં દોઢ કિમિ લાંબો રનવે બનાવવામાં આવશે. એરપોર્ટનું કામ એક કે દોઢ વર્ષમાં પૂર્ણ થઈ જાય તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.