ફરિયાદ નોંધાતાની સાથે પોલીસે હુમલાખોર પુત્રને ઝડપી લીધો મોરબી : મોરબીમાં દંપતી વચ્ચે ઝઘડો થયા બાદ પુત્રને પિતાએ ઠપકો આપ્યો હતો. પણ પુત્રએ લાજવાને બદલે ગાજીને પિતા ઉપર હુમલો કર્યો હતો. પુત્રના હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા પિતા બેભાન થઈ જતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મૂળ એમ.પી.ના વતની અને હાલ મોરબી તાલુકાના ચાચાપર ગામ પાસે નવા બનતા કૈલાસ ઓફસેટ કારખાનાની ઓરડીમા રહેતા અને ત્યાંજ મજૂરી કામ કરતા મલુભાઈ પાંગલાભાઈ ડામોર ( ઉવ ૩૬) એ ત્યાંજ રહેતા આરોપી ગોરસન જાલુભાઈ ડામોર સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા. ૩ના રોજ આરોપીની દીકરી રડતી હોવાથી આરોપી અને તેની પત્ની પારીબેન વચ્ચે બોલાચાલી થતા આરોપીના પિતા જાલુભાઈ આરોપીને સમજાવવા જતા આરોપીએ પોતાના જ પિતા જાલુભાઈને ગાળો કાઢી બાવળના લાકડાનો ધોકો જાલુભાઈને માથામા મારી માથામા મુંઢ ગંભીર ઈજા કરતા જાલુભાઈ બેભાન થઈ જતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયા હતા. આ બનાવની ફરિયાદ નોંધીને તાલુકા પોલીસે આરોપીને અટકાયત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.