દિવાળી અને ચૂંટણીઓ સુધીની તંત્રની કહેવાતી સફાઈ ઝુંબેશની પોલ ખુલી, ભૂગર્ભ ગટર ઉભરાવવાની સમસ્યા ઉકેલવામાં તંત્ર વામણું, જન આરોગ્ય ભગવાન ભરોસે મોરબી : મોરબી નગરપાલિકા તંત્રએ મોટા ઉપાડે પેટા ચૂંટણી અને દિવાળીના તહેવારોને ધ્યાને લઈને નવરાત્રીથી સફાઈ ઝુંબેશ આદરી હતી અને ગટરો તથા કચરાના ગંજની સફાઈ કરીને મોરબીને સ્વચ્છ શહેર બનાવવાનો ડિંગો હાંકયો હતો. આ સફાઈ ઝુંબેશ ઉપરછલી હોવાની તંત્રની પોલ ખુલી ગઈ છે. જેમાં ગત તા. 4થી 21 નવેમ્બર સુધી રજાઓને બાદ કરતાં માત્ર 14 દિવસમાં અધધધ કહી શકાય તેટલી 126 ભૂગર્ભ ગટર ઉભરવાની ફરિયાદ પાલિકાને મળી છે. પેટા ચૂંટણી પછી આ ફરિયાદ આવી છે. એટલે તંત્ર ભૂગર્ભ ગટર ઉભરાવવાની સમસ્યા હલ કરવામાં તંત્ર વામણું પુરવાર થયું છે. આથી, ગટરની ગંદકીના કારણે લોકોનું આરોગ્ય ભગવાન ભરોસે થઈ ગયું છે. મોરબીમાં પેટા ચૂંટણી પુરી થતાની સાથે જ મોટાભાગના વિસ્તારોમાં ગટર ઉભરવાની પળોજણે માજા મૂકી છે. કારણ કે પેટા ચૂંટણી ટાંકણે દિવાળીના તહેવારોને ધ્યાને લઈને તંત્રએ ખાસ સફાઈ ઝુંબેશ ચાલવી હતી. જેમાં ચૂંટણી ટાંકણે અને સીએમની મુલાકાતને ધ્યાને લઈને રાજકોટથી ખાસ માણસોની ટીમને સાધનો સાથે મોરબીની ભૂગર્ભ ગટરની સફાઈ માટે બોલાવ્યા હતા. પણ પેટા ચૂંટણી પુરી થતા આ સફાઈ કામદારોની ટીમ, વાહનો અને સાધનો સાથે પરત જતી રહી છે. આથી, આ સફાઈ ઝુંબેશ માત્ર ચૂંટણી પૂરતી જ રહી હોય એવું લોકોને લાગી રહ્યું છે. કારણ કે ચૂંટણી પુરી થયા બાદ ફરીથી ભૂગર્ભ ગટર ઉભરવાની સમસ્યાએ આડો આંક વાળી દીધો છે. મોરબીના હાર્દ સમાં શનાળા રોડ પર સરદાર બાગથી શરૂ થઈ થોડે આગળ જીઆઇડીસી પાસે, ગાંધી ચોક પાસે વસંત પ્લોટ, સાવસર પ્લોટ વિસ્તારમાં, શનાળા બાયપાસ પાસે આવેલ છેવાડેના લાયન્સનગર, લાતીપ્લોટ સહિતના અનેક વિસ્તારોમાં ભૂગર્ભ ગટર ગંદકી ઓકી રહી છે. ઠેરઠેર ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે. ઘણા વિસ્તારમાં તો ગટર ઉભરાવવાના કારણે બારેમાસ વરસાદ જેવી સ્થિતિ રહે છે. ગટરની ગંદકીને કારણે લોકોનું આરોગ્ય જોખમમાં છે તેમ છતાં નક્કર કાર્યવાહી કરવાને બદલે અણઘડ આયોજનો કરતું હોવાથી તંત્ર પરથી લોકોનો ભરોસો ઉઠી ગયો છે.