નાગરિકતા સંશોધન કાયદો બનાવવા બદલ કમિટીએ અમિત શાહને આભારપત્ર અર્પણ કર્યું મોરબી : તાજેતરમાં કચ્છ જિલ્લાના ધોરડો મુકામે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર, ગુજરાત રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને સમાજ કલ્યાણ કચ્છી મંત્રી વાસણભાઇ આહિરની ઉપસ્થિતિમાં સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ (બોર્ડર એરીયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ) અંતર્ગત વિકાસોત્સવ 2020 યોજાઈ ગયો હતો. આ કાર્યક્રમમાં લક્ષ્ય ફાઉન્ડેશન - મોરબી સંચાલિત ઓવરસીઝ હિન્દુ રિહેબિલિટેશન કમિટી દ્વારા ગૃહમંત્રી અમિતભાઈ શાહને સાફો પહેરાવી તથા નાગરિકતા સંશોધન કાયદો બનાવવા બદલ અભિનંદન-આભારપત્ર તેમજ હિંગળાજ માતાજીની છબી અર્પણ કરી તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. અમિતભાઈનું સ્વાગત જે. પી. જેસ્વાણી, નાથુસિંહ સોઢા, સી. એમ. સોઢા, મહેન્દ્રસિંહ સોઢા, શિવરાજસિંહ સોઢા તથા મહાસિંહ રાઠોડે કર્યું હતું. ઉલ્લેખનીય છે કે લક્ષ્ય ફાઉન્ડેશન મોરબી સંચાલિત ઓવરસીઝ હિન્દૂ રીહેબીલીટેશન સમિતિ ભારતના પડોશી દેશોમાંથી આવેલા તમામ લોકોના વસવાટ, શિક્ષણ, આરોગ્ય અને રોજગારીની ચિંતા કરતી એક બિનરાજકીય સંસ્થા છે એવા તમામ લોકોના આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ વિ મેળવવામાં કે બેન્ક એકાઉન્ટ વિ. ખોલાવવામાં મદદરૂપ થાય છે. ઉપરાંત, આવા લોકો જ્યાંથી આવ્યા હોય ત્યાંની પરંપરા સાથે અત્રેના માહોલમાં ભળી જાય તેવું વાતાવરણ ઉભું કરવામાં ઉપયોગી બને છે. આ પહેલા પણ સમિતિ દ્વારા મંત્રીઓની ઉપસ્થિતિમાં એક હજારથી વધારે વિસ્થાપિત હિન્દુઓનું સંમેલન ત્રિમંદીર મુકામે બોલાવવામાં આવ્યું હતું.