હવે ફરીથી પહેલાની જેમ સર્વેલન્સ શરૂ, આરોગ્ય તંત્ર સઘન કામગીરી કરશે : મોરબીમાં જ ટુક સમયમાં કોરોનાની લેબ શરૂ થશે જેથી હવે સેમ્પલ જામનગરની લેબમાં મોકલવા નહિ પડે મોરબી જિલ્લાની પરીસ્થિતિ બીજા જિલ્લા કરતા સારી, હાલની સ્થિતિએ કરફ્યુ લાદવા અંગે કોઈ વિચારણા નહિ મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના કેસો વધતા એકશન પ્લાન બનાવવા ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી. જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠકમાં કોરોના સામેના આ બીજા યુદ્ધની આગામી રણનીતિ ઘડવામાં આવી હતી. વધુમાં મોરબી જિલ્લાની પરિસ્થિતિ હજુ બીજા જિલ્લા કરતા સારી હોય કરફ્યુ અંગે કોઈ વિચારણા ન હોય તેવું અધિકારીઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું. મોરબી જિલ્લાના અધિક કલેકટર કેતન જોશીએ જણાવ્યું કે આજે કોરોના કોર કમિટીની બેઠક જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં ડીડીઓ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં કોરોના સામે લડવાના વિવિધ પગલાઓ અને તેની વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાં આવી હતી. જે વિસ્તારમાં કોઈ વ્યક્તિ પોઝિટિવ આવ્યા હોય તે વિસ્તારને કન્ટેઈન્ટમેન્ટ ઝોન જાહેર કરી અને જવાનોનો પહેરો મુકવો તેમજ તે વિસ્તારના નોડેલ ડીવાયએસપી કક્ષાના અધિકારીને બનાવવા આવ્યા છે. આ પ્રકારની વ્યવસ્થાની ચુસ્ત અમલવારી થાય તેવું આયોજન ઘડવામાં આવ્યું છે. વધુમાં અધિક કલેકટર કેતન જોશીએ જણાવ્યું કે અગાઉ હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી કરવામાં આવતી હતી. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં 718 ટિમ તેમજ સિટી વિસ્તારમાં મોરબીમાં 100, વાંકાનેરમાં 50, હળવદમાં 50 મળી કુલ 918 ટિમો દ્વારા કામગીરી કરવામાં આવી રહી હતી. આ ટિમો દ્વારા દરેકના સંપર્ક નંબર સહિતની વિગતો એકત્ર કરવામાં આવી હતી. હવે આ નંબર ઉપર સંપર્ક કરી ફીડબેક લેવામાં આવશે. ઉપરાંત કોન્ટેકટ ટ્રેસિંગ એટલે કે પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ મેળવવા માટે 20 શિક્ષકોની ટિમો બનાવવામાં આવી છે. સાથે ડિસ્ચાર્જ દર્દીઓના ફોલોઅપ લેવાનું પણ શરૂ કરવામાં આવ્યું છે. અંતમાં તેઓએ જણાવ્યું કે જિલ્લામાં હોટસ્પોટ વિસ્તારોને આઇડેન્ટિફાય કરીને ત્યાં ધન્વંતરિ રથ ફેરવવામાં આવશે. અને લોકોને દવા આપવામાં આવશે. કોવિડ-19 ટ્રેકર એપ છે. તેમાંથી મોબાઈલ નંબરના આધારે ટ્રેકિંગ પણ કરવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ યોદ્ધા સમિતિને જવાબદારી સોંપવામાં આવી છે. જેઓ ઘરે ઘરે જઈને જાગૃતિ ફેલાવશે અને લોકોને સેલ્ફ ડીસીપ્લીન માટે અનુરોધ કરશે. વધુમાં તેઓએ ઉમેર્યું કે બેઠકમાં કરફ્યુ અંગેની કોઈ ચર્ચા થઈ નથી. હાલની સ્થિતિ પ્રમાણે જિલ્લામાં કરફ્યુ લાગુ થનાર નથી. આરોગ્ય અધિકારી ડો. જે.એમ. કતીરાએ જણાવ્યું કે દિવાળી પૂર્વે હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ થતું હતું. જનજાગૃતિના કાર્યક્રમો થતા હતા. આ બધું પહેલાની જેમ ફરી ચાલુ કરી દેવામાં આવશે. ધન્વંતરિ રથ પણ ચાલુ કરવામાં આવશે. પહેલાની જેમ જ લોકોનો સાથ સહકાર મળે તેવી અપેક્ષા છે. S (સોશિયલ ડિસ્ટન્સ) M ( માસ્ક) S( સેનીટાઇઝર) આ સૂત્રને લોકો અપનાવે તે જરૂરી છે. બીજા જિલ્લા કરતા મોરબી જિલ્લાની પરિસ્થિતિ સારી છે. મોરબી જિલ્લામાં કેસ એટલા પણ નથી વધ્યા કે કરફ્યુ લાગુ કરવું પડે. વધુમાં તેઓએ જણાવ્યું કે મોરબી જિલ્લામાં દર્દીઓની દાખલ થવાની સંખ્યા ઓછી છે. સામે હોમ આઇસોલેશનની સંખ્યા ખૂબ વધુ છે. હોમ આઇસોલેશન થયેલા દર્દીને આરોગ્યની ટિમ સમયસર ચેક કરે છે અને દવાઓ આપે છે. હાલ જિલ્લામાં બેડ ઓક્યુપેશન રેશિયો 4 ટકા છે. એટલે કે દર 100 બેડમાં 96 બેડ ખાલી રહે છે. તેઓએ ઉમેર્યું કે આજે ટેસ્ટ કર્યા તેનું રિઝલ્ટ આવતીકાલે આવે. અને ઘણી વખત લોડ વધારે હોય તો રિઝલ્ટ 2 દિવસ બાદ પણ આવે. આવું થતું હોય છે. આરોગ્ય વિભાગ આંકડા છુપાવે છે તેવી ગેરમાન્યતા છે. ડો. કતીરાએ કહ્યું કે જે દર્દી પોઝિટીવ આવે તેની આયુર્વેદિક દવાઓથી સારવાર થાય છે. જિલ્લાના પીએચસી, સીએચસી, સીવીલ હોસ્પિટલ અને એસડીએમાં ટેસ્ટ કરવામાં આવે છે. હવે મોરબીમાં ફ્યુનેટ મશીન આવનાર છે. જેથી ટેસ્ટ માટે સેમ્પલ જામનગરની લેબમાં મોકલવાની જરૂર રહેશે નહીં. ખાનગી તબીબ ડો. વિપુલ માલાસણાએ જણાવ્યું કે એપ્રિલ પછી કોરોનાનો પ્રથમ વેવ આવ્યો હતો. ત્યારબાદ કેસ ઘટયા હતા. છેલ્લા 15 દિવસ પૂર્વથી કોરોનાનો બીજો વેવ શરૂ થઇ ગયો છે. નવા દર્દીઓની સંખ્યામાં બમણો વધારો થયો છે. જેની પાછળ ત્રણ કારણ છે. પ્રથમ કારણ એ છે કે કોઈ પણ વાયરસનો ઇતિહાસ જોઈએ તો તેનો બીજો વેવ આવે જ છે. બીજું કારણ એ છે કે સિઝન બદલાય એટલે વાયરસના સંક્રમણમાં ઉછાળો નોંધાય જ છે. જ્યારે ત્રીજું કારણ આપણી સોશિયલ પેટર્ન છે. દિવાળી અને રાજકીય માહોલમાં ભીડ વધી અને સામે કોરોનાની સાવચેતી ઓછી થતી ગઈ હતી. તેઓએ વધુમાં કહ્યું કે જો આપણે આપણી ભાવના અને લાગણીઓને કાબુમાં નહિ રાખીએ તો બધા જ લોકો બીજા વેવમાં ઝપેટમાં આવી જશે. બને ત્યાં સુધી લોકો પ્રસંગ ટૂંકમાં પતાવે. લોકોના સંપર્કમા આવતા અટકે. લોકો ગફલતમાં રહીને લક્ષણો છુપાવે છે. જે સારી વાત નથી. સમયસર ડિટેક્શન થયા બાદ 95 ટકા દર્દીઓ માત્ર હોમ આઇસોલેશનમાં રહીને સાજા થઈ જાય છે. વધુમાં તેઓએ બાળકો વિશે કહ્યું કે બાળકો કોરોનાની ઝપેટમાં ઝડપથી આવતા નથી. પણ મોટાભાગના કેસોમાં બાળકો કેરિયર બનીને બીજાને ચેપ ફેલાવે છે. બાળકોને કોરોના થશે તો તેમને લક્ષણો દેખાશે નહિ. પણ તેઓ બીજાને સંક્રમિત કરતા રહેશે. માટે બાળકોને સુરક્ષિત રાખવામાં આવે તે જરૂરી છે. અંતમાં ડો. વિપુલ માલાસણાએ જણાવ્યું કે લોકો સામાજિક સંકોચમાંથી બહાર આવીને સામેથી ટેસ્ટ કરાવતા થયા છે તે ખૂબ સારી બાબત છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના લોકોને તેઓએ અપીલ કરતા જણાવ્યું હતું કે જે પ્રમાણે તબીબ કહે તે પ્રમાણે તુરંત ટેસ્ટ કરાવવો જોઈએ. જો કોરોના આવશે અને તે વહેલાસર ડિટેકટ થયો હશે તો સાજા પણ ઝડપથી થઈ શકાશે.