વર્ષોથી બગીચા માટે ફાળવાતી ગ્રાન્ટ ક્યાં જાય છે?: લોકોના મનમાં ઉઠતા સવાલ : મચ્છુમાંથી ઘણા પાણી વહી ગયા પણ નવા બગીચાઓની વાત હજુ માત્ર હવામાં જ ઘુમરાય છે મોરબી: એક સમયે સૌરાષ્ટ્રનું પેરિસ ગણાતું મોરબી શહેર આજે એક સારા કહી શકાય તેવા બગીચા માટે તરસી રહ્યું છે. રાજાશાહી સમયમાં મોરબીમાં જાહેર ઉધાનોની બોલબાલા હતી. નગરજનો માટે મોકળા અને લીલાછમ બગીચાઓ શહેરની શોભા તો હતા જ પરંતુ બહારગામથી આવતા મહેમાનોને પણ એ બગીચાઓમાં ફરવા લઈ જઈ મોરબીવાસીઓ ગૌરવ અનુભાવતા હતા. જો કે એ પછી તો મચ્છુમાં ઘણા પાણી વહી ગયા અને સાથોસાથ ભવ્ય બગીચાઓ પણ ભૂતકાળ બની ગયા. હવે માત્ર કહેવા પૂરતા ત્રણ બગીચાઓ જ બચ્યા છે. ઉધોગ ક્ષેત્રે વિકાસમાં કાઠું કાઢી ચૂકેલા મોરબીવાસીઓ માટે આટલા પાછલા વર્ષો દરમ્યાન નવા કોઈ બગીચા બન્યા જ નથી. અંદાજીત 3 લાખની વસ્તી ધરાવતા મોરબીમાં દર લાખ દીઠ વસ્તી સામે માત્ર એક જ બગીચો હોય એ રાજ્યના અન્ય શહેરોમાં રહેતા નાગરિકોને કદાચ ગળે ઉતરે એવી વાત નથી, પણ વાસ્તવિકતા કડવી હોય છે અને એ જ હકીકત છે. ઔધોગિકરણ સાથે સતત વધતા જતા પ્રદૂષણ, શહેરીકરણ, રસ્તાઓ પર વધેલો ટ્રાફિક સહિતના કારણોસર પર્યાવરણ આમ પણ અસંતુલિત થયું છે. ત્યારે બાગ-બગીચાઓ અને લીલીછમ હરિયાળીની ખાસ આવશ્યકતા પર વિશ્વમાં ભાર મૂકવામાં આવી રહ્યો છે. આધુનિક વસાહતો, ટાઉનશીપ્સ અને રહેણાંક વિસ્તારોમાં ખુલ્લી જગ્યાઓની ગેરહાજરીએ પર્યાવરણની સમસ્યાને વધુ વકરાવી દીધી છે. પ્રતિકૂળ પરિયાવર્ણની સૌથી વધુ વિપરીત અસર નાના બાળકો વૃદ્ધ અને બીમાર લોકો પર પડતી હોય છે. ખેલકુદ કરવાની ઉંમરે બાળકોને બાગ બગીચાથી વંચિત રાખવા, સવાર-સાંજ ખુલ્લી હવામાં શ્વાસ લેવાથી વૃદ્ધો-વડીલોને દૂર રાખવાનું નીંદનીય કાર્ય મોરબીના તંત્રવાહકો અને સત્તાધીશોએ છેલ્લા વર્ષોમાં કર્યું છે. હાલમાં મોરબી શહેરમાં કહેવા પૂરતા માત્ર ત્રણ બગીચાઓ બચ્યા છે. જેને બગીચાઓ કહેવાય કે નહીં એ નક્કી કરવા પણ એક કમિટી બનાવવી પડે એ હદે તેની હાલત દયનિય બની છે. દર વર્ષે મોરબીના વિકાસ માટે બજેટ ફાળવાય છે ત્યારે નવા બગીચાના દાવા કરવામાં આવે છે. ત્યારે હયાત બગીચાની હાલત પણ કફોડી છે. શહેરના સરદારબાગમાં સરદાર પટેલની પ્રતિમા આવેલ છે તેની ફરતે જે ફુવારા લગાવવામાં આવ્યા છે તે પણ ઘણા વર્ષોથી શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. નગરપાલિકા દ્વારા નિયમિત કચરો સાફ ન કરાતો હોવાથી બગીચાનો કચરો બગીચામાં જ એકઠો કરીને સળગાવવો પડે છે જે બચી ગયેલા બગીચા માટે તો જોખમી છે જ ઉપરાંત પર્યાવરણ માટે પણ ખતરા સમાન કાર્યવાહી છે. બગીચામાં વૃક્ષોને પાણી છાંટવા પાણીની લાઈનનો અભાવ પણ ઉડીને આંખે વળગે એવો છે. બગીચાની બાજુમાં આવેલ પાણીના ટાંકામાંથી નળીનો સાંધો કરીને કામ ચલાવવું પડે છે. હવે બનશે શહેરમાં બે નવા બગીચા અને એકના નવીનીકરણનો દાવો મોરબી શહેરમાં વર્ષો બાદ બગીચા બનાવવા માટે દાવો કરી રહેલા નગર પાલિકા, મોરબીના ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયાના જણાવ્યા મુજબ હાલ વર્ષો બાદ બે બગીચાનું નિર્માણ થવા જઈ રહ્યું છે અને એકનું નવીનીકરણ થવાનું છે. ત્યારે ધર્મલાભ સોસાયટી (કંડલા બાયપાસ) જેના માટે 17 લાખ ફાળવાયા છે. સામાકાંઠે પીકનીક સેન્ટર બનશે જેના માટે 45 લાખ ફળવાયા છે અને શહેરમાં શંકર આશ્રમ ખાતે નવીનીકરણ માટે 20 લાખ ફાળવાયા છે. અલબત્ત આ જાહેરાતને વાસ્તવિકતાનું સ્વરૂપ ક્યારે મળે છે એ આવનારો સમય કહેશે ત્યાં સુધીમાં તો મચ્છુમાંથી ઘણા પાણી અગાઉની જેમ વહી ગયા હશે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate