મોરબી : ગત માર્ચ મહિનાના અંતથી શરૂ થયેલા લોકડાઉન અને ત્યારબાદ લાગુ થયેલી અનલોકની પ્રક્રિયાના આ સમયગાળા દરમિયાન તમામ પ્રકારના વ્યવસાય, ધંધા, રોજગાર અને ઉદ્યોગોમાં જબરદસ્ત મંદી વ્યાપી ગઈ છે ત્યારે મોરબીના ઉમા પાર્ટી પ્લોટની બાજુમાં આવેલા નિતીન ઝોન વિસ્તારમાં પીજીવીસીએલના અનિયમિત વિદ્યુત પ્રવાહને લઈને સ્થાનિય લઘુ અને મધ્યમ ઉદ્યોગકારોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. પાછલા ત્રણ-ચાર મહિના દરમિયાન નિતીન ઝોન (ખારી) વિસ્તારમાં આવેલા ઉદ્યોગકારોને અને વેપારીઓને પીજીવીસીએલના અનિયમિત પાવર લઈને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. દિવસ દરમિયાન ચારથી પાંચ વખત અચાનક પાવર કાપ થતો હોય સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે. ખાસ કરીને નાના મશીનોમાં ઉત્પાદિત થતા માલમાં અચાનક આવતા પાવર કાપથી ભારે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે સ્થાનીય પીજીવીસીએલ અધિકારીઓનું વારંવાર ધ્યાન દોરવા છતાં અને ચારથી પાંચ વખત લેખિતમાં અરજી આપી હોવા છતાં આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવતું ન હોય ઉદ્યોગકારોમાં અસંતોષ સાથે રોષની લાગણી પ્રવર્તી રહી છે. મહામારીનો કપરો સમય મહામુશ્કેલી બાદ દૂર થવા જઈ રહ્યો છે. લઘુ ઉધોગકારો માંડ બેઠા થવાની કોશિશો કરી રહ્યા છે ત્યારે વારંવારના પાવરકાપને લઈને સ્થાનિક લઘુ અને મધ્યમ ઉધોગકારો નાસીપાસ થઈ રહ્યા છે. પીજીવીસીએલ દ્વારા આ સમસ્યાનો ત્વરિત ઉકેલ આવે એવી ઉદ્યમી લોકોએ માંગણી કરી છે.