અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પડાયું જાહેરનામું મોરબી : મોરબી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કેતન પી. જોષીના જાહેરનામા અનુસાર ૬૫–મોરબી વિધાનસભા મતવિસ્તાર માટેની પેટા ચૂંટણી તારીખ ૩, નવેમ્બર – ૨૦૨૦ને મંગળવારના રોજ યોજાનાર છે. જે અન્વયે વટાઉખત અધિનિયમ-૧૮૮૧ અનુસાર મતાધિકાર ધરાવતી વ્યક્તિ કોઈપણ ધંધા, રોજગાર, ઔદ્યોગિક એકમો કે અન્ય કોઈપણ સંસ્થામાં નોકરી કરતાં હોય તો તેમને મતદાનના દિવસે સ-વેતન રજા આપવાની જોગવાઈ છે. આ ઉપરાંત રોજમદાર તરીકે કામ કરતાં કર્મચારી/કામદારોના કિસ્સામાં પણ જો તેઓ ફરજ પર હોત અને જે મહેનતાણું/પગાર મેળવતા તે મહેનતાણું /પગાર મતદાનના દિવસે મતદાન કરવાની રજા બદલ માલિકે/નોકરીદાતાએ ચુકવવાનું રહેશે. વિધાનસભા પેટા ચૂંટણી યોજવામાં આવેલ હોય તેવા મતવિભાગમાં તમામ સંસ્થાઓ અને દુકાનો, મતદાનના દિવસે બંધ રાખવાની રહેશે. જે મતવિભાગમાં વસવાટ કરતો હોય પરંતુ જ્યા સામાન્ય કે પેટા ચૂંટણી હોય તેવા મતવિભાગની બહારના વિસ્તારમાં આવેલ ઔદ્યોગિક એકમ કે સંસ્થાઓ નોકરી કરતો હોય તેવા મતદારો પણ સવેતન રજાના હક્કદાર રહેશે. જેને ધ્યાને લઈ મોરબી વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ વિસ્તારના ધંધા, રોજગાર, ઓદ્યૌગિક એકમ અને અન્ય સંસ્થાઓના માલિકોએ તેમના કામદાર/કર્મચારીઓને તા.૩/૧૧/૨૦૨૦ને મંગળવારના રોજ ચૂંટણીમાં મતદાન કરવાના હેતુસર રજા આપવાની રહેશે