તમામ ધંધા-રોજગાર અને વેપારીઓ માટે નવી આશાનો સંચાર કરતો મહત્વપૂર્ણ નિર્ણય બજારની રોનક પુનઃ સ્થાપિત કરશે મોરબી : આજે સોમવારે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આવનારા લગ્ન પ્રસંગોની સિઝનને લઈને એક ઉત્સાહવર્ધક જાહેરાત કરી છે. જે મુજબ લગ્ન સહિતના શુભ પ્રસંગોમાં હવે 100ના બદલે 200 મહેમાનોને આમંત્રણ આપવાની છૂટ આપી છે. સોમવારે સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા કહ્યું હતું કે, આવનારી લગ્નસરાની સિઝનને ધ્યાને લેતા હવેથી 100ના બદલે 200 મહેમાનોને આમંત્રણ આપી શકાશે. રાજ્યમાં હવે લગ્ન સમારંભમાં ૧૦૦ને બદલે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ ૨૦૦ લોકોને ઉપસ્થિત રહેવાની છૂટ આપવાની જાહેરાત થતા લગ્નઇચ્છુક પરિવારો અને યુવા-યુવતીઓમાં આનંદ છવાયો છે. અલબત્ત આ છૂટછાટમાં પણ માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સીંગ સહિતના નિયમોનું પાલન કરવાનું ફરજીયાત રહેશે. આ છૂટછાટનો અમલ આવતી કાલ 3 નવેમ્બરથી રાજ્યભરમાં શરૂ થશે. એ માટેની ગાઈડલાઇન્સ મુજબ બંધ હોલમાં આવા સમારંભના કિસ્સામાં હોલની કેપેસિટીના 50 ટકા સુધી મહેમાનોને આમંત્રિત કરવાની જ છૂટ અપાશે. મુખ્યમંત્રીના આ નિર્ણયને લઈને વર-કન્યાઓના વાલીઓમાં રાહતની લાગણી ફેલાઇ છે. અત્યાર સુધીની ગાઈડલાઇન્સ પ્રમાણે બન્ને પક્ષો સહિત માત્ર 100 મહેમાનોને જ આમંત્રિત કરવાની છૂટને લઈને મોટાભાગના પરિવારોએ પોતાના સંતાનોના લગ્નો મુલત્વી રાખ્યા હતા અને વધુ મહેમાનોની છૂટ મળે તેની રાહમાં હતા; એવા તમામ પરિવારોએ આ નિર્ણયને આવકર્યો છે. ઉલ્લેખનીય છે કે દેવ દિવાળી બાદ તુરંત જ લગ્નસરાની સિઝન શરૂ થવા જઈ રહી છે, ત્યારે જેઓના સંતાનના લગ્ન નિર્ધાયા હોય એવા પરિવારો અત્યારથી જ લગ્નની પૂર્વ તૈયારીઓ શરૂ કરી કરતા હોય છે અને આને કારણે બજારમાં દરેક પ્રકારની ચીજવસ્તુઓની ખરીદી થતી હોય છે. ત્યારે આવનારા તહેવારો અને લગ્નસરાની સિઝનને ધ્યાને લઇને કરવામાં આવેલા આ મહત્વપૂર્ણ નિર્ણયથી બજારોમાં ખરીદીનો ચળકાટ અવશ્ય જોવા મળશે અને ખોરંભે પડેલી અર્થવ્યવસ્થાને પુનઃવેગ મળશે. ખાસ કરીને ગુજરાતમાં થતા લગ્નમાં કપડા, ઘરેણા, ફુટવેર, કેટરસ સર્વિસ, મંડપ સર્વિસ, સાઉન્ડ સિસ્ટમ, લગ્નના હોલ, બ્યુટી પાર્લર, ફૂલ વ્યવસાયકારો, પંડિત-ગોર મહારાજો, વાસણ, ફર્નિચર, સહિતના તમામ વ્યવસાયિકોને ખૂબ જ સારો બિઝનેસ મળી રહેતો હોય છે. માર્કેટમાં રૂપિયાનું ટર્નઓવર થતા બજારમાં રોનક વર્તાતી હોય છે ત્યારે તમામ પ્રકારના વેપારી અને લગ્નમાં સેવાઓ પૂરી પાડતા ધંધાર્થીઓમાં એક નવી આશાનો સંચાર થયો છે. મુખ્યમંત્રીની આ જાહેરાતથી તમામ ધંધાર્થીઓ પણ રાહતની લાગણી અનુભવી છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate