મોરબી પેટા ચૂંટણીના પાંચ સખી મતદાન બુથોને વિશેષ રીતે શણગારાયા આ બુથોમાં માત્ર મહિલાઓ જ ચૂંટણી સ્ટાફ તરીકે ફરજ બજાવશે મોરબી : મોરબી માળીયા વિધાનસભા બેઠકની આજે મંગળવારે પેટા ચૂંટણી યોજાનાર છે. ચૂંટણી તંત્ર દ્વારા આ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરીને ચૂંટણી સ્ટાફને મતદાન બુથ પર ચૂંટણી ફરજ પર તૈનાત કરી દેવામાં આવ્યા છે. ત્યારે આ વખતની પેટા ચૂંટણીમાં મતદારોને આકર્ષવા માટે પાંચ સખી મતદાન બુથ ખાસ તૈયાર કરવામાં આવ્યા છે. આ પાંચેય સખી મતદાન બુથની વિશેષ રીતે સજાવટ કરવામાં આવી છે. 65 મોરબી-માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં આ વખતે કોરોનાને કારણે મતદાન બુથ વધારવામાં આવ્યા છે. ગત મોરબી માળીયાની વિધાનસભા બેઠકની ચૂંટણીમાં 291 મતદાન બુથો હતા તેના બદલે આ વખતે કોરોનાને કારણે 121 મતદાન મથકો વધારીને મોરબી માળીયા વિસ્તારમાં કુલ 412 મતદાન મથકો નિર્ધારિત કરવામાં આવ્યા છે. જેમાંથી પાંચ સખી મતદાન બુથ બનાવવામાં આવ્યા છે. મતદારોને આકર્ષવા માટે આ સખી મતદાન બુથમાં વિશેષ સુશોભન કરવામાં આવ્યું છે. તમામ સખી મતદાન બુથમાં પ્રિસાઇડિંગ અને પોલિંગ ઓફિસરથી માંડી પટ્ટાવાળા સહિતના સ્ટાફમાં માત્ર મહિલાઓ જ હોય છે. મોરબીમાં 231 નંબરનું મતદાન બુથ નિર્મલ વિધાલય, 242 નંબરનું મતદાન બુથ ઓમ શાંતિ વિધાલય રૂમ નંબર 2, 244 નંબરનું જે.એ.પટેલ. આટર્સ કોલેજ રૂમ નંબર-2, 248 સરદાર પટેલ કન્યા વિધાલય રૂમ નંબર 3 અને 267-A નંબરનું મતદાન બુથ રામકૃષ્ણ નગર વિવેકાનંદ પ્રાથમિક શાળા રૂમ નંબર 2 આમ કુલ મળીને આ પાંચ સખી મતદાન બુથ બનાવાયા છે. આ પાંચેય સખી મતદાન બુથમાં સખી મતદારો મતદાન કરશે. એ માટે તમામ પ્રકારની વ્યવસ્થાઓ પુરી કરી લેવામાં આવી છે.