વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડીયા-અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ સુધીની દેશની પ્રથમ સીપ્લેન સેવાનો પ્રારંભ કરાવશે કેવડીયામાં જંગલ સફારી-એકતા મોલ-ચિલ્ડ્રન ન્યૂટ્રીશ્યન પાર્ક-યુનિટી ગ્લો ગાર્ડન- કેકટ્સ ગાર્ડન-એકતા નર્સરી-ખલવાણી ઇકો ટુરિઝમ – આરોગ્ય વન – એકતા ક્રૂત્ઝ સહિત પ્રવાસન આકર્ષણ કેન્દ્રો-હોમ સ્ટે પ્રોજેકટ – આદર્શ ગામ સહિતની સુવિધાઓ શરૂ થશે મોરબી : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી આજે શુક્રવાર તા. ૩૦ ઓકટોબરથી ગુજરાતના દ્વિદિવસીય પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન આગામી તા. ૩૧ ઓકટોબરે લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની ૧૪પમી જન્મજ્યંતિએ કેવડીયામાં સરદાર સાહેબની વિશ્વની વિરાટત્તમ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટિને ભાવાંજલિ અર્પણ કરવાના છે. પ્રધાનમંત્રીના નિર્ધારીત પ્રવાસ કાર્યક્રમ અનુસાર તેઓ શુક્રવાર તા. ૩૦ ઓકટોબરે બપોર બાદ કેવડીયા પહોચશે અને વિકાસ કામોના વિવિધ ૧૭ જેટલા પ્રોજેકટસના લોકાર્પણ તેમજ નવા ૪ પ્રોજેકટસના શિલાન્યાસ કરશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પણ પ્રધાનમંત્રી સાથે જોડાવાના છે. વડાપ્રધાનના દીર્ધદ્રષ્ટિ ભર્યા માર્ગદર્શન તથા પ્રેરણા અન્વયે વર્ષ ર૦૧૯ દરમિયાન વિક્રમજનક સમયમાં આ પ્રોજેકટસ ઝડપભેર પૂર્ણ કરવામાં આવ્યા છે. બે વર્ષ અગાઉ તા. ૩૧ ઓક્ટોબર, ર૦૧૮ના રોજ સરદાર સાહેબની વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી રાષ્ટ્રને અર્પણ કર્યા બાદ વડાપ્રધાનએ કેવડિયાના સંકલિત વિકાસ માટે જુદાજુદા થીમ આધારિત પ્રોજેકટ હાથ ધરવા પ્રેરણા આપી હતી. આ પ્રોજેકટ વિક્રમજનક સમયમાં પૂર્ણ થતા કેવડિયા એક વિશ્વ સ્તરના પ્રવાસન કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. જયાં કુટુંબના દરેક વયજૂથના સભ્યો માટે રસપ્રદ આકર્ષણો ઉપલબ્ધ છે. વડાપ્રધાન કેવડિયા ખાતે તા. ૩૦મીએ આગમન બાદ સૌથી ઝડપભેર પૂર્ણ કરવામાં આવેલ જંગલ સફારી, હેન્ડલુમ અને હેન્ડીક્રાફટ, વિવિધતામાં એકતાના પ્રતિક સમુ એકતા મોલ, સમગ્ર વિશ્વનો સૌથી પ્રથમ ટેકનોલોજી આધારિત ચિલ્ડ્રન ન્યુટ્રીશ્યન પાર્ક, દેશનો સૌ પ્રથમ યુનિટી ગ્લો ગાર્ડન તથા કેકટ્સ ગાર્ડનની મુલાકાત લઈ તેનું લોકાર્પણ કરશે. એટલું જ નહીં, સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બાંધવામાં આવેલ જેટ્ટી પરથી શ્રેષ્ઠ ભારત ભવન પાસેની જેટ્ટી સુધીની ૪૦ મિનીટની રાઈડમાં બેસતા પહેલાં વડાપ્રધાન અન્ય ૯ પ્રોજેકટના લોકાર્પણની તકતીનું અનાવરણ કરશે કે જેમાં જેટ્ટી અને બોટીંગ (એકતા ક્રૂઝ), નેવીગેશન ચેનલ, નવો ગોરા બ્રીજ, ગરૂડેશ્વર વિયર, એકતા નર્સરી, ખલવાણી ઈકો ટુરિઝમ, સરકારી વસાહતો, બસ બે ટર્મિનસ તથા હોમ સ્ટે જેવા પ્રોજેકટનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી ૪ નવા પ્રોજેકટ એટલે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નન્સ ઓથોરિટીના વહીવટી ભવન, સરકારી વસાહતો, SRP ક્વાટર્સ તથા કેવડિયાની આજુબાજુ પાંચ ગામોના અસરગ્રસ્તોને વસાવવા માટે તમામ પાયાની સુવિધાઓ સાથેની ૪૦૦ મકાનની આદર્શ ગામ વસાહતનો શિલાયન્સ પણ કરશે. કેવડિયા હવે એક અબજ લાઈટોથી ઝળહળી રહ્યું છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના આસપાસના લગભગ રપ ચો.કિ.મી. વિસ્તારમાં કાયમી ધોરણે સજાવવામાં આવેલ ડેકોરેટિવ લાઈટીંગ તથા સરદાર સરોવર ડેમ માટેની ખાસ ડિઝાઈન કરાયેલ ડેકોરેટિવ લાઈટીંગનું પણ વડાપ્રધાન ઉદ્ઘાટન કરશે. તારીખ ૩૧ ઓક્ટોબર, ર૦ર૦ના રોજ સવારે રાષ્ટ્રીય એક્તા પરેડમાં ઉપસ્થિત થતા અગાઉ વડાપ્રધાનશ્રી આરોગ્ય વનની મુલાકાત લેશે. આરોગ્ય વન એ વિશિષ્ટ પ્રકારનું ગાર્ડન છે. જેમાં માનવ શરીર અને ચેતનાનું સાતત્ય જળવાઈ રહે તે પ્રકારની ખાસ ડિઝાઈન કરવામાં આવેલી છે. વડાપ્રધાન દેશમાં સૌ પ્રથમ એવા સી-પ્લેન દ્વારા કેવડિયાથી અમદાવાદ પ્રસ્થાન કરવા માટેના તળાવ નં.૩ના વોટર ડ્રોમનું ઉદ્ઘાટન સરદાર પટેલ જન્મજ્યંતિએ કરશે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુ પ્રવાસીઓ માટે આકર્ષણ સમાન પ્રોજેકટને ખાસ ‘‘મિશન મોડ’’થી રેકર્ડ સમયમાં દિવસ-રાત કામ કરી પૂર્ણ કરવામાં આવેલું છે અને સ્થાનિક વિસ્તારના યુવાનો અને મહિલાઓ સહિત ૩૦૦૦ કુટુંબને રોજગારીની તકો ઉભી થઇ છે. કેવડિયા સંકલિત વિકાસ હેઠળ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુ ૧૦૦ કિ.મી.ની ત્રિજયામાં ખાસ કરીને આદિવાસી વિસ્તારને પરોક્ષ રીતે સને ર૦ર૦-રર દરમિયાન અંદાજી રૂા.૯૦૦૦/- કરોડનો લાભ થશે. વડાપ્રધાનના વરદ હસ્તે ઉદ્ઘાટન થનાર પ્રોજેકટ્સ તથા ખાતમુહૂર્ત થનાર પ્રોજેકટ્સની મુખ્ય વિશેષતાઓ અને વિગતો જોઇએ તો, જંગલ સફારી (સરદાર પટેલ ઝુઓલોજીકલ પાર્ક) :- વિશ્વમાં રેકર્ડ સમયમાં ઝડપથી પૂર્ણ કરવામાં આવેલ જંગલ સફારી ૩૭પ એકરમાં અને ૭ જુદી જુદી સપાટીએ બનાવવામાં આવેલું ‘‘સ્ટેટ ઓફ આર્ટ’’ ઝુઓલોજીકલ પાર્ક છે. જંગલ સફારીમાં પ્રવાસીઓ દેશના અને વિદેશના કુલ-૧૧૦૦ પક્ષીઓ અને ૧૦૦ પ્રજાતિઓના પ્રાણીઓ જોવાનો આનંદ માણી શકશે. આ પ્રોજેકટમાં જુદા જુદા ર૯ પ્રાણીઓ માટે ખાસ નિયત વિસ્તાર અને વિશ્વમાં સૌથી મોટા બે ‘‘જીઓડેસીક ડોમ એવીયરીઝ’’નો સમાવેશ છે. જેમાં પ્રવાસીઓ પોતાની આજુબાજુ ઉડતાં પક્ષીઓ જોવાનો રોમાંચ માણી શકે. જંગલ સફારી પ્રોજેકટમાં પ્રવાસીઓ ખાસ કરીને બાળકો પણ પક્ષીઓ અને નાના પ્રાણીઓને અડી અને રોમાંચ અનુભવી શકે તેવો ‘‘પેટીંગ ઝોન’’ નો સમાવેશ છે. પેટીંગ ઝોનમાં મકાઉ, કોકેટુ, પરીશયન બિલાડી, સસલાઓ, ગુનીયા પીગ, નાનો અશ્વ, નાના ઘેંટા અને બકરા, ટર્કી અને ગીઝનો સમાવેશ છે. એક્તા મોલ :- દેશ-વિદેશના પ્રવાસીઓ કેવડિયાની મુલાકાત દરમિયાન ખરીદીનો વિશિષ્ટ પ્રકારનો અનુભવ લઈ શકે તે માટે બે માળ અને ૩પ,૦૦૦ ચો.ફુટમાં પથરાયેલ વિશાળ એકતા મોલનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં દેશના જુદાજુદા રાજયોમાંથી ર૦ જેટલા પરંપરાગત હેન્ડલુમ અને હેન્ડીક્રાફટ એમ્પોરીયા છે. એકતા મોલમાં દેશના જુદા જુદા રાજ્યોની વખણાતી ચીજવસ્તુઓ એક જ જગ્યાએથી ખરીદીનો પ્રવાસીઓ આનંદ માણે છે. જેમાં ગરવી ગુર્જરી, પુરબશ્રી, કૈરાલી, મુર્ગનૈની, પુમ્પુહર, ગંગોત્રી, કાવેરી, ખાદી ઈન્ડિયા, કાશ્મીર અને CCI એમ્પોરિયમ આવેલું છે. ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક :- અદ્યતન ટેકનોલોજી સંચાલિત વિશ્વનો સૌ પ્રથમ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક છે. આ થીમ બેઝ પાર્ક ૩પ૦૦૦ ચો.મી. વિસ્તારમાં પથરાયેલો છે. બાળકોને...