મોરબી : છેલ્લા 6 માસથી પ્રસરેલી કોવિડ-૧૯ની મહામારીને લઈને ધંધા-રોજગાર, નોકરી-વ્યવસાય અને અર્થવ્યવસ્થાને થયેલા નુકશાનની ચર્ચાઓ અને ટીવી ડિબેટો ખૂબ થાય છે. પરંતુ દેશની ભાવિ પેઢીને તૈયાર કરવામાં પાયાની ભૂમિકા ભજવતા શિક્ષણક્ષેત્રને થયેલા અકલ્પનિય નુકશાનની ચર્ચા બહુ ગંભીરતાપૂર્વક થતી નથી. શાળાઓ અને વાલીઓ ફીના મુદ્દાને લઈને ઘણીવાર ચર્ચાના કેન્દ્રમાં આવે છે, પરંતુ ભાવિ પેઢીના ઘડતરમાં હાથમાંથી સરી ગયેલો આ 6 માસનો સમયગાળો અને તેને કારણે થયેલું વિદ્યાર્થીઓના નુકશાનની વાત હાંસિયામાં ધકેલાય જાય છે. આવા સમયે મોરબીના એક ગામના શિક્ષકે વ્યર્થ સરી જતા આ સમયને સાધી લીધો છે. પોતાના ગામના હાલ અભ્યાસથી વંચિત વિદ્યાર્થીઓને કોઈ સ્વસ્વાર્થ વગર માત્ર પરમાર્થની ભાવનાથી જ અભ્યાસ કરાવી રહ્યા છે. નવયુગ વિદ્યાલયના કોમ્પ્યુટરના શિક્ષક અને ગૂંગણ ગામના રહેવાસી છત્રપાલસિંહ જાડેજા પોતાના ગામના બાળકોને દરરોજ બે કલાક અભ્યાસ કરાવી રહ્યા છે. નાનકડા એવા ગામમાં ઓનલાઈન અભ્યાસથી સેંકડો જોજન દૂર રખડતા ભટકતા રહેતા બાળકોને છેલ્લા એક માસથી કલાસરૂમ શિક્ષણ આપી રહ્યા છે. સરકારી ગાઈડલાઇન્સનું ચુસ્તપણે પાલન કરી, સામાજિક અંતર જાળવી આવા બાળકોના શિક્ષણનો પાયો મજબૂત કરનાર છત્રપાલસિંહ જાડેજા પોતાના નામના ગુણ પ્રમાણે જ બાળકોને શિક્ષણનું 'છત્ર' પૂરું પાડી રહ્યા છે જે અન્ય ગામોના શિક્ષકો માટે પણ ઉદાહરણીય છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate