તા.13 અથવા 14એ ફોર્મ ભરે તેવી શકયતા મોરબી : મોરબી- માળિયા વિધાનસભા બેઠક માટે ભાજપ દ્વારા સતાવાર રીતે બ્રિજેશ મેરજાના નામની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે ભાજપે અન્ય છ બેઠકોના ઉમેદવારોના નામની જાહેરાત પણ કરી છે. મોરબી- માળિયા વિધાનસભા બેઠક ઉપરથી કોંગ્રેસ પક્ષમાંથી ચુંટાયેલા ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજીનામુ ધરી દેતા તેની પેટાચૂંટણી યોજાનાર છે. જેમાં તા. 3 નવેમ્બરના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. બે દિવસ પૂર્વે જાહેરનામું પ્રસિધ્ધ થયાની સાથે ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી હતી. આ દરમિયાન આજે ભાજપ દ્વારા મોરબી- માળિયા બેઠકના ઉમેદવાર તરીકે બ્રિજેશ મેરજાના નામની સતાવાર જાહેરાત કરી દીધી છે. વધુમાં તેઓની સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે 13 અથવા 14 તારીખે ફોર્મ ભરવામાં આવશે. જો કે હજુ ઉપરથી ફોર્મ ક્યારે ભરવુ તે અંગે કોઈ સૂચના મળી નથી. આ સાથે અબડાસા બેઠક પર પ્રદ્યુમ્નસિંહ જાડેજા, ધારી બેઠક પર જે.વી. કાકડીયા, કરજણ બેઠક પર અક્ષય પટેલ, ગઢડા બેઠક પર આત્મારામ પરમાર, ડાંગ બેઠક પર વિજય પટેલ અને કપરાડા બેઠક પટ જીતુ ચૌધરીના નામની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે લિંબડી બેઠક પર હજુ સુધી નામ જાહેર કરવામાં આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ગતરોજ ઉમેડવારોના નામની યાદી લઈને દિલ્હી ગયા હતા. જ્યાં કેન્દ્રીય નેતૃત્વ તરફથી ઉમેદવારોની યાદી ઉપર મંજૂરીની મ્હોર લગાવાતા અત્યારે ભાજપ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે.