મોરબી શહેરી વિસ્તારમાં પશુઓને રસ્તે રઝળાવાશે તો દંડનીય કાર્યવાહી થશે મોરબી : થોડા દિવસો પૂર્વે મોરબી પાલિકા ચીફ ઓફિસર, પોલીસતંત્ર, ગૌશાળા સંચાલકો તેમજ પાંજરાપોળ સંચાલકો વચ્ચે એક બેઠક મળી હતી. જેમાં સર્વસંમતિથી મોરબી શહેરી વિસ્તારના તમામ પશુઓનું રજિસ્ટ્રેશન કરાવી પશુ પર માર્કિંગ ફરજીયાત બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મોરબી પાલિકા દ્વારા આ અંગે બુધવારે ફરી એકવાર પશુપાલકોને તાકીદ કરવામાં આવી છે. મોરબી નગરપાલિકા કચેરીમાં રૂમ નંબર 8માં સેનેટરી ઇન્સ્પેકટર કૃષ્ણસિંહ જાડેજાને આ અંગે જવાબદારી સોંપવામાં આવી છે. પ્રથમ વખત જો કોઈ પશુ રસ્તે રઝળતું ઝડપાશે તો રૂપિયા 1000, બીજી વાર રૂપિયા 2000 તથા ત્રીજીવાર જો કોઈ પશુ રસ્તે રખડતું ઝડપાશે તો રૂપિયા 3000નો દંડ વસુલવામાં આવશે. જે તે પશુપાલક સામે કેસ પણ નોંધવામાં આવશે એવું અગાઉ થયેલી મિટિંગ દરમ્યાન નક્કી કરવામાં આવ્યું હતું. રસ્તે રઝળતા પશુ દ્વારા કોઈ અકસ્માત થશે તો એ અકસ્માતની સંપૂર્ણ જવાબદારી જે તે પશુપાલકની રહેશે એવું મોરબી પાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate