ટંકારા પંથકમાં કોટન ઉદ્યોગની એક-બે જીન માંડ-માંડ ચાલુ, 50 જેટલા કારખાના સી.સી. અને લોન ન ભરી શક્યા ટંકારા : આજે વિશ્વ કપાસ દિવસ છે અને કપાસને સફેદ સોનાનુ તખલ્લુસ મળ્યુ છે. એક સમયે ટંકારા તાલુકાની અનેક જીન-ફેક્ટરી રાત-દિવસ ધમધમતી અને ચારે દિશામાં કપાસનો વેપલો ભારે ફુલો ફાલ્યો હતો. જે હાલની સ્થિતિમા મરણતોલ ફટકો ખાઈ બેન્કના બિછાને ગીરવે પડ્યા છે. દશકા સુધી ખ્યાતનામ રહેલી પેઢીઓ પણ છાપે ચડી અને હરરાજી કરી અને પરીણામે ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા ઉદ્યોગને પણ ફટકો પડ્યો છે. અને કોટનનુ હબ ગણાતા ટંકારાના ખેડૂતો આજે કપાસ વેચવા રીતસરના રાજપાટ કરી રહ્યા છે. આ અંગે એક ઉદ્યોગપતિ નો સંપર્ક કરતા જણાવ્યું હતું કે ચાઈના નિકાસ બંધ થયા બાદ બજારમા મંદી આવી અને રોટેશન ખોરવાઈ ગયુ છે. જેના કારણે કરોડો રૃપિયા ખોટા પણ થયા છે. જેમાંથી બહાર નીકળવુ મુશ્કેલ હતુ. ત્યા CCI દ્વારા જે કપાસની ખરીદી કરી, તે માત્ર એવન ક્વોલિટીની ખરીદી કરતા હતા. બી અને સીનો કપાસ ખેડુતો મફત ના ભાવે વેચવા મજબુર બન્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે CCIએ ઘણા કપાસ ખરીદી કરી હતી. અને જેમા પણ ભ્રષ્ટાચારના આરોપ ભાજપના પુર્વ ધારાસભ્ય એ કર્યાનુ જગ જાહેર છે. પણ એટલેથી અટકતુ ન હોય તેમ કપાસને ગાંસડીમા રૂપાંતર કરી, જે ક્વોલિટી પેરામિટર મુજબ ગાંસડી ન બનતા અનેક સવાલો પણ ઉભા થયા હતા. ત્યારે હાલ નવો કપાસ બજારમાં આવી ગયો છે અને ટંકારામા આ વર્ષે કેટલા કોટન ઉદ્યોગ શરૂ થાય છે તે જોવુ રહ્યું.