પરિશ્રમ અને પ્રેમની અનોખી દાસ્તાન,સાસુ- સસરા પુત્રવધુ નહિ પોતાની દીકરી હોય તેમ કારકિર્દી ઘડવામાં બન્યા મદદરૂપ સાસરિયાંથી ત્રણ વર્ષ દૂર રહીને અભ્યાસ કર્યા બાદ ડો.બંસી એમડી બન્યા, તાજેતરમાં ડીએમની એન્ટરન્સ એક્ઝામ ગણાતી NEET SSમાં સમગ્ર દેશમાં 8મો ક્રમાંક મેળવી જ્વલંત સફળતા મેળવી મોરબી : દીકરી વ્હાલનો દરિયો આ કહેવત કોઈ પણ દીકરીના પિયરમાં તો સાર્થક બનતી જ હોય છે. પણ ઘણા ઓછા કિસ્સામાં આ કહેવત દીકરીના સાસરિયામાં સાર્થક થતી હોય છે. હા, આજે ડોટર્સ ડે નિમિત્તે આવી જ એક અનોખી દાસ્તાન આપની સમક્ષ રજુ કરીએ છીએ. જેમાં એક દીકરીને તેના સાસુ- સસરાએ પોતાની પુત્રવધુ નહિ પણ દીકરીની જેમ મદદરૂપ બનીને ઘરથી 3 વર્ષ દૂર રાખીને એમડી બનાવી છે. હજુ ગૌરવની વાત તો એ છે કે મોરબીની આ દીકરી સૌરાષ્ટ્ર- કચ્છની પ્રથમ મહિલા ડીએમ બનવા તરફ આગેકૂચ કરી રહી છે. મોરબીના સિરામીક ક્ષેત્ર સાથે સંકળાયેલા રજનીભાઇ આદ્રોજા જેમના પત્નીનું નામ કીર્તિબેન આદ્રોજા છે. આ બન્નેએ પોતાની વ્હાલસોયી દીકરી બંસી આદ્રોજાના લગ્ન રાજકોટ નિવાસી ભરતભાઇ પરેજીયા અને લતાબેન પરેજીયાના પુત્ર કશ્યપ પરેજીયા સાથે કર્યા હતા. કશ્યપ પરેજીયા પણ મોરબીના સિરામિક ક્ષેત્ર સાથે જોડાયેલા હતા. લગ્ન બાદ બંસીબેનની અભ્યાસમાં રૂચિ જોઈને તેમના સાસુ- સસરા અને પતિએ આગળનો અભ્યાસ કરાવવાનું નક્કી કર્યું હતું. બંસીબેન તબીબી ક્ષેત્રે આગળ વધવા ઇચ્છતા હોય તેમના સાસુ અને સસરાએ એક પિતા અને માતા બનીને તેમને પૂરતી મદદ કરી હતી. જેથી જ બંસીબેન વડોદરા ખાતે સાસરિયાથી 3 વર્ષ અલગ રહીને એમડી બની શક્યા છે. આ 3 વર્ષના અનુભવો વિશે ડો. બંસીબેન કહે છે કે આ દરમિયાન અનેક સામાજિક તેમજ પારિવારિક પ્રસંગો આવ્યા જેમાં તેઓ હાજરી પણ આપી શકતા ન હતા. છતાં સાસરિયાએ તેમનું મનોબળ જાળવી રાખીને સતત જુસ્સો પૂરો પાડ્યો છે. તેઓ ભાવવિભોર થઈને જણાવે છે કે મારા માટે મારૂ પિયર કયું છે તે કહેવું અઘરું છે. સાસુ- સસરાએ પણ માતા- પિતાની જેમ ખૂબ પ્રેમ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે હજુ સુધી સૌરાષ્ટ્ર- કચ્છમાં કોઈ મહિલા એમડી ઇન ક્લિનિક ઇમ્યોનોલોજી એન્ડ રેમેટોલોજી બની શકી નથી. આ દિશામાં ડો. બંસીએ આગેકૂચ કરી છે. સાસુ- સસરા અને પતિના સહયોગથી આ ગૌરવ તેઓ ટૂંક સમયમાં હાંસલ કરવાના છે. તાજેતરમાં ડીએમની એન્ટરસ એક્ઝામ ગણાતી NEET SSમાં સમગ્ર દેશમાં 8મો ક્રમાંક મેળવી તેઓએ જ્વલંત સફળતા મેળવી છે. ડીએમ માટે ગુજરાતમાં એક પણ સીટ નથી. હવે તેઓ સાસરિયાથી દૂર રહી ખૂબ કઠિન ગણાતી એવી ડીએમની ડીગ્રી હાંસલ કરશે. સામાન્ય રીતે લગ્ન પછી પુત્રવધુ ઘર સંભાળે તેવી દરેક સાસુ- સસરાની મહેચ્છા હોય છે. પણ ખૂબ જૂજ સાસુ- સસરા એવા હોય છે જે એક પિતા અને માતાની ભૂમિકા ભજવીને પોતાની પુત્રવધુની કારકિર્દી ઘડાવતા હોય છે. આજના આ ડોટર્સ ડે ઉપર ડો. બંસીનો પરિશ્રમ તો કાબીલેદાદ છે જ પણ તેનાથી વધુ સરાહનીય છે તેમના સાસુ- સસરા અને પતિએ કરેલી મદદ. ડો.બંસી આદ્રોજા પરેજીયા જણાવે છે કે તેમના સાસુ, સસરા અને પતિએ કારકિર્દી ઘડવામાં તમામ સહયોગ આપ્યો છે. હવે તેઓ ડીએમ બન્યા બાદ મોરબીની સેવા માટે હંમેશા તત્પર રહેશે.