મોરબી : દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2019ની મનકી બાત કાર્યક્રમમાં કહ્યું હતું કે આ વર્ષથી સપ્ટેમ્બર મહિનાને પોષણ માસ તરીકે ઉજવવામાં આવશે. આ માસને ઉજવવાનો મુખ્ય ઉદેશ એવો છે કે પછાત વિસ્તારમાં બાળકો કુપોષણનો શિકાર બનતા મૃત્યુ પામતા હતા, તે મૃત્યુદર ઘટાડવા માટે, ગર્ભવતી સ્ત્રીને પોષણક્ષમ આહાર મળે, કિશોરી વયની બાળાઓનો યોગ્ય વિકાસ થાય અને જે લોકો જાણતા નથી કે ક્યા આહારથી કેવા પોષણ મળે તે લોકોમાં જાગૃતિ આવે. તેના માટે દેશભરમાં પોષણ માસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ અભિયાન અન્વયે પોષણ માસની ઉજવણી-2020 ઘટક-2 અંતર્ગત આઈ.સી.ડી.એસ દ્વારા મોરબીમાં તા. 24 સપ્ટેમ્બરના રોજ ત્રાજપર ખારી આંગણવાડી કેન્દ્ર પર કાર્યક્રમ યોજાયેલ હતો. જેમાં પોષણયુક્ત સલાડ હરિફાઈનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ નાથાભાઈ ડાભી, ત્રાજપર ગ્રામ પંચાયતના સભ્યો, સી.ડી.ઓ.પી. મોરબી-2 ભાવનાબેન ચરોલા, સુપરવાઈઝર, આંગણવાડી કાર્યકર બહેનો, 11 થી 18 વર્ષની કિશોરીઓને આપવામાં આવતા પુર્ણા શક્તિના પેકેટમાથી અવનવી વાનગીઓ બનાવવાની વિવિધ રેસીપી વિષે, શાકભાજીમાથી મળતા પોષણ અંગે, આયર્ન અને ફોલિક એસિડની ગોળીઓ વિષેની વિગતવાર માહિતી આપી હતી. આ સાથે વાંકાનેરમાં પણ આઈ.સી.ડી.એસ ઘટક -૨માં મેસરિયા સેજાના મહિકા મુકામે આંગણવાડી કેન્દ્રમાં દિપ પ્રાગટય કરી વાનગી સ્પર્ધા અને પોષણ સલાડની હરીફાઈનું આયોજન કરી તેનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આગાખાન સંસ્થા દ્રારા માસ્ક વિતરણ કરવામા આવ્યુ હતું. લાભાર્થીઓને વિવિધ શાકભાજીમાંથી કેટલા પ્રમાણમાં પોષણ મળે છે, તે અંગે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા સમજ આપવામાં આવી હતી. તેમજ કિશોરીઓ દ્વારા બનાવેલી વાનગીનું નિદર્શન કરી વિજેતા કિશોરીઓને ઇનામ વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમમાં સુપરવાઇઝર વૈશાલીબા પટગીર, આગાખાન સંસ્થાના આગેવાન ફાલગુનીબા, NNM વિરેનભાઇ, મહેશભાઇ હાજર રહ્યા હતા.