સીએમ રૂપાણીએ ઇન્ટરનેટના માધ્યમથી ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો મોરબી : ખેડૂતોને વિવિધ પ્રકારે સહાય કરતી સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત ખેડૂતોને યોજનાઓના અધિકારપત્રો એનાયત કરવાના કાર્યક્રમનું આયોજન સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજનાના ચેરમેન ડૉ. ભરતભાઇ બોઘરાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અતર્ગત મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અને કિસાન પરિવહન યોજનાના લોકાર્પણ અને યોજનાના લાભાર્થીઓને અધિકારપત્રો એનાયત કરવામાં આવ્યા હતા આ તકે ડૉ. ભરતભાઇ બોઘરાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની આગેવાની હેઠળની સરકાર ખેડૂતો કોઇપણ પ્રકારની મુશ્કેલીઓમાંથી બહાર લાવવા માટે સતત પ્રયત્નશીલ છે. હાલમાં વ્યાપક પ્રમાણમાં પડેલ વરસાદના કારણે ખેડૂતોને થયેલ નુકસાનીનું વળતર આપવા સર્વેની કામગીરી ચાલુ છે. સાંસદ મોહનભાઇ કુંડારીયાએ ખેડૂતોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે સરકારી યોજનાઓનો લાભ લઇને આધુનિક અને પ્રાકૃતિક ખેતી તરફ વળીને પ્રગતિ કરવાની વિશાળ તકો રહેલી છે. ખેતીમાં પરિવર્તન લાવીને વધુ ઉત્પાદન અને ગુણવત્તા પ્રાપ્ત કરીને ખેડૂતો આગળ આવે તેવી અપીલ પણ કરી હતી. કાર્યક્રમના પ્રારંભમાં રાજ્ય સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલ ખેડૂતલક્ષી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી અને ખેડૂતોને મોટા પ્રમાણમાં આ યોજનાનો લાભ લેવા આહ્વાન કર્યું હતું. ત્યારબાદ સાત પગલાં ખેડૂત કલ્યાણ અંતર્ગત ખેડૂતો માટે ખાસ તૈયાર કરેલ ડોક્યુમેન્ટરી દર્શાવવામાં આવી હતી.ત્યારબાદ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગરથી ઇન્ટરનેટના માધ્યમથી રાજ્યભરના ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો હતો અને રાજ્યમાં એક સાથે એક જ સમયે યોજાયેલા કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. જિલ્લા ખેતીવાડી અધિકારી વી.કે. ચૌહાણે સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનામાં ૩૩૦ ચો. ફુટ ગોડાઉન બનાવવા માટે મોરબી જિલ્લાના ૨૭૮૬ ખેડૂતોને લાભ આપવામાં આવશે. લાભાર્થી ખેડૂતોને બે ભાગમાં ૩૦૦૦૦ ખેડૂતના ખાતામાં જમા કરવામાં આવશે. આમ, મોરબી જિલ્લામાં ૨૭૮૬ લાભાર્થીઓને ૮૩૫.૮૦ લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે. કિસાન પરિવહન યોજના અંતર્ગત મોરબી જિલ્લામાં ૧૨૭ ખેડૂત લાભાર્થીઓને ૭૬.૨૦ લાખની સહાય ચૂકવવામાં આવશે તેમ જણાવ્યું હતું. શનાળા ખાતે ના કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે મોરબી, ટંકારા અને માળીયા તાલુકાના બાર ખેડૂત લાભાર્થીઓને અધિકારપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. બપોરે ૩.૦૦ કલાકે આ પ્રકારનો જ એક કાર્યક્રમ હળવદ ખાતે ધારાસભ્ય પરસોતમભાઇ સાબરીયાના અધ્યક્ષ સ્થાને પણ આયોજિત કરવામાં આવ્યો હતો. મોરબી ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મોરબી એ.પી.એમ.સી.ના ચેરમેન મગનભાઇ વડાવીયા, દુર્લભજીભાઇ દેથરીયા, જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી વસૈયા, જિલ્લા ખેતીવાડી અધિકારી વી.કે. ચૌહાણ, ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે હળવદ ખાતે ના કાર્યક્રમમાં ધારાસભ્ય પરસોતમભાઇ સાબરીયા, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી વસૈયા, વાંકાનેર માર્કેટયાર્ડના ચેરમેન સકિલ પિરઝાદા, હળવદ માર્કેટયાર્ડના વાઇસ ચેરમેન અશ્વિન મેઘાણી, હળવદ તાલુકા પંચાયતના પ્રમુખ ધરમેન્દ્રસિંહ ઝાલા, હળવદ નગરપાલિકાના પ્રમુખ રમેશભાઇ પટેલ, હળવદ પ્રાંત અધિકારી ગંગાસિંહ ઉપસ્થિત રહ્યા હતા.