પુત્રના પ્રેમલગ્ન બાદ યુવતીના પરિવારજનોની બીકથી ઘર છોડ્યું હોવાનું પોલીસ સમક્ષ નિવેદન નોંધાવ્યું મોરબી : મોરબીના ઘુટુ ગામે બે મહિના અગાઉ એક જ પરિવારના સાત સભ્યો અચાનક ગુમ થઈ ગયા હતા. ત્યારે આજે આ પરિવારના તમામ સભ્યો હેમખેમ પરત આવ્યા છે. પોલીસ સમક્ષ હાજર થયેલા આ પરિવારે પોલીસ સમક્ષ નિવેદન આપ્યું હતું કે, પુત્રએ પ્રેમલગ્ન કરતા યુવતીના નારાજ થયેલા પરિવારજનોની બીકથી તેઓએ ઘર છોડ્યું હતું. મોરબીના ઘુટું ગમે આવેલા હરિઓમ પાર્ક સોસાયટીમાં રહેતા એક જ પરિવારના સાત સભ્યો શંભુભાઈ વશરામભાઈ લુહાર (ઉ.વ.૫૫), રેખાબેન શંભુભાઈ લુહાર (ઉ.વ.૫૦), કમલેશ શંભુભાઈ લુહાર (ઉ.વ.૨૬) લખીબેન વશરામભાઈ લુહાર (ઉ.વ.૭૦), ધર્મિષ્ઠ! શંભુભાઈ લુહાર (ઉ.વ.૧૭), આનંદીબેન શંભુભાઈ લુહાર (ઉ.વ.૧૩) અને હસીબેન દેવશીભાઈ લુહાર (ઉ.વ.૨૧) ગત તા.14 જુલાઈના રોજ અચાનક ગુમ થઈ ગયા હતા. આથી જે તે સમયે તેમનો કૌટુંબિક પરિવારજનોએ તાલુકા પોલીસ મથકે ગુમસુદા નોંધાવી હતી. આથી પોલીસ આ પરિવારજનોની શોધખોળમાં કામે લાગી હતી. દરમ્યાન આજે ગુમ થયેલા એક જ પરિવારના સાત સભ્યો તાલુકા પોલીસ મથકે હાજર થયા હતા અને પોલીસ સમક્ષ નિવેદન નોંધાવ્યું હતું કે ,પરિવારના પુત્ર કેમલેશે યુવતી સાથે પ્રેમલગ્ન કરતા યુવતીના પરિવારજનો નારાજ થયા હતા.આથી યુવતીના પરિવારજનોની બીકથી યુવાનનો પરિવારે ઘર છોડી દીધું હતું હવે સમાધાનનો તખ્તો તૈયાર થતા યુવાનો પરિવાર પરત ફર્યો છે.