મુખ્યમંત્રી દ્વારા સીરામીક ઉધોગ માટે ખૂબ જ રાહતરૂપ જાહેરાતથી ઉદ્યોગકારો સંતુષ્ઠ, દર મહિને અંદાજે 47 કરોડ રૂપિયાનો થશે ફાયદો એક્સપોર્ટ માર્કેટમાં અગ્રેસર બનવા તરફ હવે સીરામીક ઉદ્યોગની દોટ મોરબી : મોરબીના સીરામીક ઉધોગ માટે આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એક સુખદ જાહેરાત કરતા ગેસના બીલમાં ઉધોગકારોને 16 ટકાની રાહત મળી છે. ગેસ બીલમાં 16 ટકાની રાહતની જાહેરાતથી કોરોના કાળમાં સીરામીક ઉધોગમાં નવો પ્રાણ ફૂંકાયો છે. જોકે હાલ સીરામીક ઉદ્યોગમાં તેજીનો માહોલ છે. ત્યારે ગેસબીલમાં રાહત સીરામીક ઉદ્યોગને વધુ બળ પૂરું પાડશે. પાછલા 5 માસ દરમ્યાન કોરોનાની મહામારીને લઈને વિશ્વ તેમજ દેશના તમામ ઉધોગો સહિત મોરબીનો વિશ્વ પ્રસિદ્ધ સીરામીક ઉધોગ ભારે ગૂંગણામણ અનુભવી રહ્યો હતો. જો કે હાલ સીરામીક ઉદ્યોગમાં તેજીનો માહોલ છે. ત્યારે આજે મુખ્યમંત્રી રૂપાણીએ સીરામીક ઉધોગ માટે વપરાતા ગેસ બિલમાં 16 ટકાની રાહત જાહેર કરતા હવે સીરામીક ઉધોગને વધુ વેગ મેળશે એવી આશા સેવાઈ રહી છે. આ અંગે સીરામીક એસોસિએશનના નિલેશભાઈ જેતપરિયા સાથે મોરબી અપડેટે વાતચિત કરતા તેઓએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી સમક્ષ ઉધોગકારોની માંગણી હતી કે ગેસ બીલમાં રાહત આપવામાં આવે. મુખ્યમંત્રીએ અમારી માંગણી અને લાગણી સંતોષી છે. જેતપરિયાએ વધુમાં જણાવ્યું હતું કે, વિશ્વમાં સીરામીક ઉધોગમાં મોરબી બીજા નંબરે છે જે હવે પહેલા નંબર પર પહોંચી જશે એવી આશા અને અપેક્ષા હવે સાકાર થશે. હાલ જે પ્રકારે રાહત આપવામાં આવી છે તે અનુસાર જોઈએ તો મોરબી સીરામીક ઉધોગ દરરોજ 63 લાખ ક્યુબીક મીટર ગેસનો વપરાશ કરે છે. એક ક્યુબીક મીટરમાં રૂપિયા 2.50ની વધારાની રાહત મળતા હવે દરરોજ અંદાજે 1.57 કરોડ રૂપિયાનો અને મહિને અંદાજે 47 કરોડ રૂપિયાનો ફાયદો થશે. જે આંતરરાષ્ટ્રીય વેપારમાં ચીન સાથે સ્પર્ધા કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. કેમ કે ચાઇનાના નીચા ભાવ સામે સ્પર્ધાત્મક રીતે હવે પહોંચી વળાશે. આ ઉપરાંત ગેસ બીલમાં રાહતથી નવા યુનિટો પણ મોરબીમાં સ્થપાશે. બહારનું રોકાણ મોરબીમાં આવશે. જેને કારણે મોરબીનો આર્થિક વિકાસ તો વેગવંતો બનશે જ તદ્દઉપરાંત નવી રોજગારીની વિપુલ તકો પણ સર્જાશે. મુખ્યમંત્રીનો આ નિર્ણય એવા યોગ્ય સમયે લેવામાં આવ્યો છે જ્યારે ચારોતરફ મંદીનો માહોલ છે અને અર્થવ્યવસ્થા તૂટી રહી છે. આથી હવે આ ઉધોગ મારફતે કમસેકમ મોરબી જિલ્લામાં અર્થવ્યવસ્થાની ગાડી ફરી એકવાર પાટે ચડી પુરપાટ દોડવા લાગશે. જો કે, આંતરરાષ્ટ્રીય વેપારમાં ટકી રહેવા અને ગ્રોથ કરવા માટે જ આ ભાવ ઘટાડાનો લાભ મળી શકશે તેવું નિલેશભાઈએ જણાવ્યું હતું. નોંધનીય છે કે, મોરબી ઉપરાંત સુરેન્દ્રનગર અને સાબરકાંઠાના સીરામીક ઉધોગને પણ ગેસના આ બિલ ઘટાડાનો લાભ મળનાર છે ત્યારે હવે ભારત સીરામીક ક્ષેત્રે વિશ્વમાં નંબર વન પર પહોંચે એવો આશાવાદ સેવાઈ રહ્યો છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate