મોરબી : મોરબીના શનાળા રોડ પર ગોકુળનગર વિસ્તાર મોરબીના વોર્ડ નં. 11માં આવે છે. આ વિસ્તારમાં વર્ષોથી ગટરના પાણી ઉભરાતા રહે છે. કારણ કે જુના જે પાણીના નિકાલના માર્ગો હતા. તેના પર ભરતી ભરીને મકાન બાંધકામ થઈ ગયા, હવે પાણીના નિકાલ માટે કોઈ રસ્તો રહ્યો નથી. બાયપાસ સર્કલ બન્યું ત્યારે જે રોડ નીચે પાણી કાઢવા માટે ભૂંગળા હતા. તે મારફતે પાણી ત્રણ નાલા મારફતે વોકળામાં વહી જતું પરંતુ તેને બુરીને માથે રોડ બનાવીને બંધ કરેલ છે. જેથી, વરસાદનું પાણી પણ ભરાયેલ રહે છે, તો ગટરનું પાણી તો ક્યાંથી નીકળે. સ્થાનિકોએ જણાવ્યું છે કે આ વર્ષે અહીં આગળ ઓવરબ્રિજનું કામ પુર જોશ કીડી વેગે દોઢ-બે વર્ષથી ચાલી રહ્યું છે. ત્યારથી તેમાં ગટરની મેઇન લાઈનમાં ભંગાણ પડેલ છે. જેથી, તે પાણી અહીં જ ઉભરાઇને અવિરતપણે ભર્યું રહે છે. જેમાં લાઇન્સનગર, ગોકુળનગર, શકત શનાળા અને પાછળનો તમામ વિસ્તાર આવી જાય તે બધું પાણી ગટરની કુંડી મારફતે ઉભરાઈને સોસાયટીમાં ખૂબ જ ગંદકી ફેલાવી રહ્યું છે. આ બાબતે કે. કે. પરમાર, ભાવેશભાઈ કંઝારીયા (સદસ્ય, મોરબી નગરપાલિકા)ને વારંવાર ફરિયાદો તેમજ અરજીઓ વોર્ડના કાઉન્સિલર તેમજ સમાજ સેવકો દ્વારા કરેલ પરંતુ મોરબીના નીંભર તંત્ર દ્વારા કોઈ જ પ્રકારની કામગીરી કરેલ નથી કે આ બાબતે યોગ્ય પગલાં લીધેલ નથી. પરંતુ હવે તાત્કાલિક આ સમસ્યાનું નિવારણ આવે, તેવી સ્થાનિકોમાં માંગણી ઉઠી છે.