જિલ્લા ભાજપ પ્રમુખ અને શહેર ભાજપ પ્રમુખે શહેરના રસ્તા ,ગટર ,લાઈટ સહિતના દરેક કામો નગરપાલિકાના સ્વ ભંડોળમાંથી તાત્કાલિક કરવાની માંગ કરી મોરબી :મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ રાઘવજીભાઇ ગડારા અને મોરબી શહેર ભાજપ અધ્યક્ષ લાખાભાઈ જારીયાએ પાલિકા તંત્રને રજુઆત કરી હતી કે, મોરબીમાં વરસાદના પગલે શહેરના રોડ રસ્તાની હાલત ખરાબ થઈ ગઈ છે.તેથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.આ ઉપરાંત ચોમાસામાં ભૂગર્ભ ચોકઅપ હોવાથી વરસાદની સાથે ભૂગર્ભ ગટરના પાણી ભરાવવાની સમસ્યા વકરી છે.તેથી લોકોના આરોગ્ય ઉપર જોખમ રહે છે.આથી વહેલી તકે આ સમસ્યાઓ ઉકેલવાની માંગ કરી છે. રજુઆતમાં જણાવ્યું હતું કે ,હાલ મોરબી જીલ્લામાં અને મોરબી શહેરમાં વધારે વરસાદ પડતા મોરબી શહેરના મેઇન રોડ તેમજ ઘણી સોસાયટીઓના રોડ નબળા કામને કારણે ધોવાઈ ગયા હોય મેઇન રોડમાં ખાડા પડી ગયા છે.આથી રોડના ખાડામાં તાત્કાલિક પેચવર્ક કરવું જરૂરી છે. તેમજ આવતા દિવસોમાં આ બાબતનો કાયમી ઉકેલ માટે અમુક રોડ રસ્તામાં પેવર બ્લોક અથવા આર.સી.સી. રોડ બનાવવા જરૂરી છે. લાતીપ્લોટ વિસ્તાર ઈન્ડસ્ટ્રીઝ વિસ્તાર છે. ત્યાં વરસાદ ના કારણે ઘણા રોડ તૂટી ગયેલ છે. તેમજ ત્યાં ઘણા વર્ષોથી ભૂગર્ભ ગટરની સમસ્યા પણ છે. ભૂગર્ભ ગટર આખા એરિયામાં ચોકઅપ થઈ ગયેલ હોય તો લાતીપ્લોટની ભૂગર્ભ ગટર તેમજ રોડ તાત્કાલિક બનાવવા જરૂરી છે. વધુમાં ઉમેર્યું હતું કે ,શહેરની ભૂગર્ભ હાલ માથાના દુખાવા સમાન બની ગયેલ છે.ખાસ કરીને માધાપરા, મહેન્દ્રપરા, સાવસર પ્લોટ, નવા બસ સ્ટેન્ડ સામે તેમજ પાછળના ભાગે, હાઉસિંગ બોર્ડ તેમજ મોરબી-2 માં ઘણી સોસાયટીઓ તેમજ અન્ય ઘણા એવા વિસ્તાર છે કે જ્યાં ભૂગર્ભની ઘણી મોટી સમસ્યા હોય ભૂગર્ભ ચાલતી જ નથી. ત્યાં ભૂગર્ભની નવી પાઇપલાઇન મોટા પાઇપો નાખીને રીનોવેશન કરવી આવશ્યક છે. તેમજ શહેરના 50% થી વધારે વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં છે તેવી અનેક ફરીયાદો આવતી હોય છે. આ દરેક કામો નગરપાલિકાના સ્વ ભંડોળમાંથી તાત્કાલિક કરવાની માંગ કરી છે.