એક વર્ષ કરતા ઓછા સમય પહેલા બનેલું નાળુ વરસાદી પાણીથી ફાટી ગયું : મોટા ભેલાના સરપંચે તમામ તંત્રોને રજુઆત બાદ મળ્યું માત્ર આશ્વાસન માળીયા મી. : ચાલુ વરસાદની સિઝન દરમ્યાન અતિવૃષ્ટિને કારણે મોરબી જિલ્લામાં વ્યાપક નુકશાન થયું છે. રોડ-રસ્તા, પુલ, ખેતરો, કારખાનાઓ સહિત રહેણાંક વિસ્તારોમાં પણ નુકશાન થયાના અહેવાલો વચ્ચે માળીયા મી. તાલુકાના મોટા ભેલા ગામે આવેલું નાળુ વરસાદી પાણીનો પ્રવાહ ન ખમી શકતા રીતસર ફાટી ગયું હોય ગામના સરપંચે લાગતા વળગતા તમામ તંત્રને આ અંગે જાણ કરી છે. માળીયા.મી. તાલુકાના મોટા ભેલા ગામ નજીક આવેલું અને માત્ર એક વર્ષ કરતા ઓછા સમય પહેલા 3 લાખના ખર્ચે બનાવેલું નાળુ ફાટી જતા આસપાસના 5 ગામોના આશરે 8થી 9 હજાર લોકો મજબૂરીમાં આ નાળા પરથી જોખમી આવન-જાવન કરી રહ્યા છે. મોટા ભેલા, નાના ભેલા, ચમનપર, બગસરા અને વાવપર ગામના ગ્રામજનો આ નાળાનો ઉપયોગ કરતા હોય છે ત્યારે હવે જો થોડો પણ વરસાદ વરસે તો આ નાળુ સાવ જ ધોવાઈ જવાની ભીતિ સર્જાઈ છે. હાલ તો ગામના સરપંચ મુળુભાઈ ગોહેલ દ્વારા નાળુ વનવે તરીકે ચાલુ રહે એ માટે વ્યવસ્થાઓ ઉભી કરી છે. એક વરસ કરતા ઓછા સમય પહેલા જ્યારે નાળુ બનતું હતું ત્યારે જ ગુણવત્તાને લઈને સરપંચ સહિતના આગેવાનોએ સ્થળ પર જઇ કોન્ટ્રાક્ટરો સામે સવાલો ઉઠાવ્યા હતા. જો કે મંજુર થયેલા બજેટ પ્રમાણે જ કામ થાય છે જેવો લુલો બચાવ કરી નાળાનું કામ આટોપી લેવાયું હતું. પાણીના નિકાલ માટે નાળા નીચે 3 પાઇપો ગોઠવવાની સરપંચની સલાહ અવગણી 2 પાઇપો ગોઠવી દેવાતા ચાલુ સીઝનના વરસાદ દરમ્યાન પાણીનો ભરાવો સહન ન કરી શકતા આ નાળુ તૂટ્યું હોવાનું સરપંચે મોરબી અપડેટને જણાવ્યું હતું. હાલ તો જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન, પ્રમુખ, માળીયા. મી. મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી માળીયા મી., નાયબ કાર્યપાલક ઈજનેર મોરબી, પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજાને પણ રજુઆત કરવામાં આવી છે. જો કે, તંત્ર તરફથી હાલ તો રેતીની ગુણીઓ ગોઠવી આપીએ એવો જવાબ મળતા લાગી રહ્યું છે કે કોઈ મોટા અકસ્માત બાદ જ સંબંધિત તંત્રની ઊંઘ ઉડશે. અત્રે નોંધનીય બાબત એ છે કે પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાને અભાવે નાળુ તો તૂટ્યું જ છે ; આ ઉપરાંત આસપાસના ખેતરોમાં જળ જમાવનું કારણ પણ આ જ નાળુ બન્યું છે. વરસાદી પાણીના નિકાલ માટે આર.સી.સી. બોક્સ બનાવવાના બદલે 'ભૂંગળા' ગોઠવી દેવાતા હાલ તો 5 ગામના લોકો માટે જોખમ તોળાઈ રહ્યું છે.