મામલતદારે સરકારી જમીન પચાવી પડનાર શખ્સ સામે ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી મોરબી : મોરબીના મહેન્દ્રનગર ગામે એક શખ્સે સરકારી ખરાબાની જમીન ઉપર ગેરકાયદે બાંધકામ કરીને ભાડે આપી હોવાનો મામલો મામલતદાર સુધી પહોંચ્યો છે. આથી, મામલતદારે આ મામલે તપાસ કરીને સરકારી જમીન ઉપર દબાણ કરીને પચાવી પડનાર શખ્સ સામે બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબી લાલબાગ સેવા સદનમાં મામલતદાર તરીકે ફરજ બજાવતા દીવ્યરાજસિંહ જે. જાડેજાએ આરોપી મોરબીના ત્રાજપર ગામના યુવરાજભાઇ ખેંગારભાઇ ગોલતર સામે બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી કે આરોપીએ મોરબી માળીયા તરફ જવાના નેશનલ હાઇવેની બાજુમા આવેલ સર્વિસ રોડ ઉપર આવેલ મહેન્દ્રનગર ગામના સર્વે નંબર ૧૯૦ પૈકીની વાળી સરકારી ખરાબાની જમીનમા ગેરકાયદેસર અપ પ્રવેશ કરી જમીનમા દબાણ કરી કબ્જો કરી બાંધકામ કરી પોતે આર્થિક લાભ મેળવવાના હેતુથી અન્ય ઇસમોને ભાડે આપી હોવાનું ધ્યાને આવતા મામલતદારે આ બનાવ અંગે ફરિયાદ નોંધાવી છે. આથી, બી ડિવિઝન પોલીસે આ બનાવ અંગે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.