સામાજિક કાર્યકરોએ નીમ્ભર તંત્રને ફરી એકવાર ઢંઢોળીને શહેરને સ્પર્શતી તમામ સમસ્યાઓનું યોગ્ય નિરાકરણ લાવવા ચીફ ઓફિસર અને કલેકટરને રજુઆત કરી મોરબી : વર્ષો પહેલા મોરબી શહેરની એક આગવી ઓળખ હતી. જેમાં મોરબી શહેર સૌરાષ્ટ્રન પેરિસ તરીકે જાણીતું હતું. પણ શાસકોનું દુર્લક્ષતાના કારણે આજે મોરબી શહેર સમસ્યાઓનું ઘર બની ગયું છે. જો શાસકોએ લોકશાહી આવ્યા પછી શહેરના વિકાસ માટે નક્કર કાર્યવાહી કરી હોત તો આજે મોરબી મેગાસીટીથી કમ ન હોત. પણ દુગર્ભાગ્યવશ જિલ્લો બનેલા મોરબીમાં વિકાસની જગ્યાએ જ્યાં જુઓ તો સમસ્યાઓ જ નજરે ચડે છે. આથી, સામાજિક કાર્યકરોએ નીમ્ભર તંત્રને ફરી એકવાર ઢંઢોળીને શહેરને સ્પર્શતી તમામ સમસ્યાઓનું યોગ્ય નિરાકરણ લાવવા ચીફ ઓફિસર અને કલેકટરને રજુઆત કરી છે. મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઇ દવે, જીજ્ઞેશભાઈ પંડ્યા, જગદીશભાઈ બાંભણીયા, મુસ્તાકભાઈ બ્લોચે નગરપાલિકાના ચીફ ઓફિસર અને જિલ્લા કલેકટરને રજુઆત કરી હતી કે મોરબી જિલ્લા બન્યો એને પાંચ વર્ષે વધુ સમય વીતી ગયા છતાં શહેરમાં પ્રાથમિક સુવિધાનું ક્યાંય નામોનિશાન નથી. આઝાદીના 74 વર્ષ પછી પણ મોરબીને સારા રોડ રસ્તા નસીબ થયા નથી. એ ઘણી જ શરમજનક બાબત છે. વારંવાર મોરબી સૌરાષ્ટ્રનું પેરિસ અને ઉદ્યોગનગરી હોવાની દુહાઈ દેવામાં આવે છે. પણ હકીકત કઈક જુદી છે. મોરબી પાલિકામાં શાસન ગમે તે પક્ષનું હોય પણ શહેરનો ક્યારેય ખરા અર્થમાં વિકાસ થયો નથી. તંત્રના પાપે આજે મોરબીમાં સમસ્યાઓનો રાફડો ફાટ્યો છે. ખરાબ રોડ રસ્તા, ઉભરાતી ભૂગર્ભ ગટર, વરસાદી પાણીના નિકાલનો અભાવ, ઠેર-ઠેર કચરાના ગંજ સહિતની અનેક સમસ્યાઓથી શહેરીજનો ત્રસ્ત છે. હાલ તો ભારે વરસાદમાં રોડ રસ્તાઓ એટલી હદે ખરાબ થઈ ગયા છે કે ક્યાંય સારો રોડ બચ્યો નથી. મોટાભાગના માર્ગો ખાડારાજમાં ફેરવાયા છે. તેમજ મેઘવીરામ થયો હોવા છતાં ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ છે. જ્યારે ભૂગર્ભની સમસ્યા તો આડો આંક વાળી દીધો છે. તેથી, શહેરીજનોને આ સમસ્યાઓમાંથી મુક્ત કરાવવા તંત્ર નક્કર કામગીરી કરે તેવી માંગ કરી છે.