જાગૃત સંસ્થા અને જિલ્લા પંચાયતના સદસ્યએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબી : મોરબી જિલ્લામાં અતિવૃષ્ટિની સહાય તથા ખેડૂતોને સ્પર્શતા પ્રશ્નો અને મોરબીમાં ખરાબ રસ્તા, વરસાદી પાણીના નિકાલ, રખડતા ઢોર સહિતના પ્રશ્ને જાગૃત સંસ્થા અને જિલ્લા પંચાયતના સદસ્ય દ્વારા કલેકટર કચેરી ખાતે ધરણા કરવામાં આવ્યા હતા. બાદમાં જગૃત સંસ્થા અને જિલ્લા પંચાયતના સદસ્યએ કલેકટરને આવેદનપત્ર પાઠવી ખેડૂતો સહિતના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માંગ કરી છે. ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિએશનના અગ્રણી કે.ડી.બાવરવા અને મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય મુકેશભાઈ ગામી દ્વારા ખેડૂતો સહિતના પ્રશ્ને કલેકટર કચેરી ખાતે ધરણા કરવામાં આવ્યા હતા. બાદમાં કલેકટરને આવેદનપત્ર આપી મોરબી જિલ્લામાં અતિવૃષ્ટિથી ખેડૂતોને પાકમાં થયેલી નુકશાનીનો તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવા, ભારે વરસાદમાં મોટાભાગના રસ્તાની ખરાબ હાલત થઈ હોય ખરાબ માર્ગોનું યોગ્ય રીતે રિપેરીગ કરવું, રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા, ખાનગી સ્કૂલોમાં વિધાર્થીઓની ફી માફીના પ્રશ્નનું યોગ્ય નિરણકાર લાવવા, પેટ્રોલ ડિઝલ અને રાંધણગેસમાં થયેલો ભાવ વધારો પાછો ખેંચવો તેમજ બેરોજગાર યુવાનોને રોજગારી પુરી પાડવાની માંગ કરી છે.