મોરબી : મોરબી શહેરમાં પાણી ઢોળવા મામલે પાડોશીઓની બઘડાટી પોલીસ સ્ટેશને પહોંચી છે. પાણી જેવી સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ મારામારીનો બનાવ બન્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ મોરબી શહેરના મહેન્દ્રડ્રાઇવ રોડ ઉપર રહેતા અશોકભાઇ નટવરભાઈ ત્રિવેદીએ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેમની બાજુમાં જ રહેતા નીરવ મુકુંદભાઈ ઠાકર, નૈમિષ મુકુંદભાઈ ઠાકર અને નિસર્ગ મુકુંદભાઈ ઠાકર સામે ફરિયાદ નોંધાવી છે કે તેઓ તેમના પોતાના ઘરનો ઓટો ધેાઈ રહ્યા હતા ત્યારે ઓટો ધેાયા બાદનું પાણી સામાવાળાના ઘર પાસે આવતુ હોય “અમારા ઘર પાસે પાણી આવવું જોઈએ નહીં” તેમ કહીને સામેવાળાઓએ ઝઘડો શરૂ કર્યો હતો અને બાદમાં ઉપરોક્ત ત્રણેયે એકદમ ઉશ્કેરાય જઇને અશોકભાઈને ઢીકાપાટુનો મારમાર્યો હતો. જેથી, તેમને સારવાર માટે લઈ જવાયા હતા. હાલમાં પોલીસ દ્વારા આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.