મોરબી જિલ્લામાં ઘડિયા લગ્નનો નવતર વિચાર મૂર્તિમંત કરાવનાર ડૉ. કૈલાએ સાદગીથી પુત્રની સંબંધવિધિ સંપન્ન કરી મોરબી : પ્રવર્તમાન સમયમાં લગ્ન સહિતના સામાજિક પ્રસંગો માટે લખલુંટ ખર્ચ કરવાની જાણે એક સ્પર્ધા જ શરુ થઈ ચુકી છે.જેટલા વધારે મહેમાનો, જેટલો વધારે શણગાર, જેટલું વધારે મોટું મેન્યુ એમ લગ્ન સારી રીતે કર્યા કહેવાય એવી એક માનસિકતા પ્રસ્થાપિત થઈ ચૂકી છે. આવી વિચારધારાને લઈને હવે ફક્ત લગ્ન જ નહિં પરંતુ જલ પ્રસંગ,ચાંદલો સગાઈ, કંકુ પગલા, પુત્રવધૂને તેડવા આવવુ, પ્રસુતિ બાદ લાડવા લઈને જવુ એમ દરેક પ્રકારના પ્રસંગોની પાછળ હજારો રૂપિયાનુ આંધણ લોકો દેખાદેખીમાં કરતા હોય છે. જો કે તાજેતરમાં કોરોના વાઇરસના સંક્રમણ બાદ ઉભી થયેલી લોકડાઉનની પરિસ્થિતિની એક હકારાત્મક અસર થઈ છે કે, ઓછી સંખ્યામાં અમંત્રીતો અને ઓછા ખર્ચમાં લગ્નની શરૂઆત થઈ છે. આવા જ એક ક્રાંતિકારી વિચાર સાથે ડો મનુભાઈ કૈલાએ (ખાખરેચી) મોરબીમાં ઘણા સમયથી ઘડીયા લગ્નનુ આહવાન કરેલ છે. આ પ્રથાને પુરો સહકાર આપી તેને આગળ ધપાવવા તેમણે પોતાના પુત્ર જયેશભાઈ મનુભાઈ કૈલા કે જે હાલ પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે ગુજરાત પોલીસ અકાદમી ખાતે તાલીમ લઈ રહ્યા છે ; તેમના સંબંધ પુરી સાદાઈ સાથે કરી સમાજને એક નવો માર્ગ ચીંધ્યો છે.