ઉતાવળે વાહન લઈને નીકળવાની લ્હાયમાં રોડ પર સમાંતરે ત્રણ ત્રણ વાહનોની લાઈનો થતા સર્જાતો ટ્રાફિકજામ મોરબી : મોરબીના સીરામીક ઝોન જેતપર -પીપળી રોડ ઉપર છેલ્લા એક અઠવાડિયાથી ટ્રાફીકજામની સમસ્યા કાયમી બની ગઈ છે.આજે પણ ટ્રાફિકજામ સર્જાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાય ગયા હતા.ખાસ કરીને ઉતાવળે વાહન લઈને નીકળવાની લ્હાયમાં રોડ પર સમાંતરે ત્રણ ત્રણ વાહનોની લાઈનો થવાથી આ ટ્રાફિકજામ સર્જાઈ છે. મોરબીના જેતપર -પીપળી રોડ ઉપર 100 થી વધુ સીરામીકની ફેકટરીઓ આવેલી છે.આથી આ રોડ ઉપર સીરામીક ઉધોગકારો અને કર્મચારીઓ તથા મજૂરોનો વધુ ઘસારો રહે છે.આ ઉપરાંત સીરામીક ઝોન હોવાથી ભારે વાહનોનો પણ એથી વધુ ઘસારો રહે છે.જોકે દરરોજ સવારના 8 થી 10 દરમ્યાન જેતપર-પીપળી રોડ ઉપર સૌથી વધુ ટ્રાફિક રહે છે.એનું કારણ એ છે કે આ સમયે સીરામીક ઉધોગકારો સહિતના લોકો.પોતાની ગાડીઓ લઈને કામ અર્થે અહીંથી નીકળતા હોય છે.પણ ટ્રાફિક વધુ હોવાથી જલ્દી નીકળવાની લ્હાયમાં વાહન ચાલકો જ્યાં જગ્યા મળે ત્યાં આડેધડ ઘુસવા લાગે છે.ડબલ પટ્ટીના રોડ ઉપર એક ભારે વાહન અને બે કારની એમ મળીને ત્રણ લાઈનો થઈ જાય છે.આથી રોડ સાંકડો પડવા લાગતા વાહન વ્યવહાર કાચબા ગતિએ ચાલે છે અને ખાસ્સો સમય સુધી આવી રીતે ટ્રાફિકજામ સર્જાઈ છે.વાહન ચાલકોની ઉતાવળે નીકળવાની લ્હાયમાં જ છેલ્લા એક અઠવાડિયાથી આ રોડ ઉપર ટ્રાફિકજામની રોજિંદી બની ગઈ છે.આથી વાહન ચાલકો ખોટી ઉતાવળ ન કરીને શિસ્તબદ્ધ રીતે બે લાઈનમાં નીકળે અને ટ્રાફિક પોલીસે અહીંયા ટ્રાફિકની યોગ્ય રીતે સંચાલન કરે તેવી માંગ ઉઠી છે.