મોરબીના 'કર્તવ્ય જીવદયા કેન્દ્ર'ના યુવાનો દ્વારા શ્વાનના મોં પર 18 દિવસથી ફસાયેલ પ્લાસ્ટિક બરણી કાઢવામાં સફળતા મોરબી: મોરબી જિલ્લામાં અબોલ જીવ પ્રત્યે સતત સેવા આપતું અને પોતાના જીવ જોખમમાં મુકીને અનેક રેસ્ક્યુ કરી અબોલ જીવને બચાવતું યુવાઓ સંચાલિત 'કર્તવ્ય જીવદયા કેન્દ્ર'ના યુવાનો દ્વારા શ્વાનના મોં પર ફસાયેલ પ્લાસ્ટિકની બરણી કાઢી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી શેરી શ્વાનને બચાવી લેવાયું હતું. મોરબીના ગાળા ગામની સીમમાં ૧૮ દિવસથી એક કુતરાના મોઢા પર પ્લાસ્ટિકની બરણી ફસાઈ ગઇ હતી. ૧૫ દિવસ સતત ગ્રામજનો દ્વારા અથાક મહેનત કરવા છતાં એમના હાથમાં ગભરાયેલું શ્વાન આવતું ન હતું. અંતે 'કર્તવ્ય જીવદયા કેન્દ્ર'ની ટીમને જાણ કરતાં તેમની ટીમ ગાળા ગામે દોડી ગઈ હતી. ત્યાર બાદ સૌથી પહેલા શ્વાનને ગામની સીમમાંથી સફળતા પૂર્વક જાળીમાં પકડીને મોં પર ફસાયેલી પ્લાસ્ટિકની બરણી કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ભારે જહેમતના અંતે 18-18 દિવસથી મોં પર ફસાયેલી બરણીથી શ્વાનનો છુટકારો થતા સૌએ હાશકારો અનુભવ્યો હતો. જોકે નવાઈની વાત એ છે કે, ૧૮ દિવસ સુધી અન્ન કે પાણી પીધા વિના પણ શ્વાન જીવિત રહ્યું તેને લોકો એક ચમત્કારથી ઓછું નથી માની રહ્યા. કહેવત છે ને? કે, રામ રાખે તેને કોણ ચાખે?