નગર પાલિકા દ્વારા લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા : મોરબીમાં ફિલ્ટર પ્લાન્ટમાં ભારે ખરાબીના લીધે લોકો ફિલ્ટર વગરનું અશુદ્ધ પાણી પીવા મજબૂર લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતી તંત્રની ગંભીર બેદરકારી આવી સામે મોરબી : મોરબી પાલિકાના ફિલ્ટર પ્લાન્ટની મોરબી અપડેટની ટીમે મુલાકાત લેતા રેઢિયાળ તંત્રની લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવાની ગંભીર બેદરકારી સામે આવી હતી. જેમાં ફિલ્ટર પ્લાન્ટમાં માછલાં તરતા દેખાયા હતા. ત્યારે આ ફિલ્ટર પ્લાન્ટમાં કબૂતર સહિતના જીવ જંતુઓ મૃત હાલતમાં અગાઉ પડ્યા હોય એવું માલુમ પડ્યું હતું. ઉપરાંત, ફિલ્ટર પ્લાન્ટમાં ખરાબીના કારણે છેલ્લા બે વર્ષથી પાણી ફિલ્ટર થતું જ નથી અને આવું અશુદ્ધ પાણીનું પાલિકા દ્વારા લોકોને વિતરણ કરી દેવામાં આવે છે. આ લોલમલોલ બેદરકારી છેલ્લા ત્રણ વર્ષથી ચાલે છે. તેથી, મોરબીમાં રેઢિયાળ તંત્રના પાપે લોકો ફિલ્ટર વગરનું અશુદ્ધ પાણી પીવા મજબૂર બન્યા છે. મોરબી શહેરને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડતો પાલિકાનો લીલાપર રોડ પર આવેલ ફિલ્ટર પ્લાન્ટમાં મચ્છુ- 2 ડેમમાંથી પાણી આવે તેને ફિલ્ટર કરી અને ક્લોરીશન કરીને આ શુદ્ધ થયેલા પાણીને અન્ય પાણીના સંપોમાં પહોંચાડવાનું હોય છે. જેમાં મોરબીના સરદાર બાગ, કેસરબાગ, સુરજબાગ, દાણાપીઠ, દરબાર ગઢ અને પંચાસર આમ મળીને છ જેટલા પાણીના સંપમાં પાણી પહોંચાડવામાં આવે છે પરંતુ જે 3 લાખની વસ્તીને પાણી પૂરું પાડે છે એ ફિલ્ટર પ્લાન્ટમાં બે વર્ષથી પાણી ફિલ્ટર જ થતું નથી અને ફિલ્ટર કર્યા વિના જ મચ્છુ ડેમમાંથી આવતું પાણી સીધું જ લોકોને વિતરણ કરી દેવામાં આવે છે. તંત્રની લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવાની આ ગંભીર બેદરકારી પ્રકાશમાં આવી છે. જો કે ખમતીધર વર્ગ તો ફિલ્ટર કરેલું પાણી પીએ છે. પણ ઘણા એવા સામાન્ય વર્ગના લોકો છે કે જે પાલિકા દ્વારા વિતરણ કરાતું આ જ પાણી પીવામાં ઉપયોગ કરે છે. આવું અશુદ્ધ પાણી પીવાથી આરોગ્ય ગંભીર રીતે જોખમાય શકે છે. આ અશુદ્ધ પાણી પીનારા લોકોની કેવી હાલત થતી હશે તેની કલ્પના માત્રથી ધ્રુજી ઉઠાય છે. નવા ફિલ્ટર પ્લાન્ટમાં દસ ફિલ્ટર છે. જેમાં તમામ બંધ છે અને એક જૂનું ફિલ્ટર છે. આ જુનું ફિલ્ટર પણ હાલ ચાલુ છે. આ જુના ફિલ્ટરમાંથી લીલાપર રોડની સોસાયટીઓમાં પાણી વિતરણ કરવામાં આવે છે. જો કે આ જુના ફિલ્ટરમાં પાણી ફિલ્ટર થાય છે. એ સિવાયની આખી મોરબી સિટીમાં ફિલ્ટર કર્યા વગરમાં છેલ્લા ત્રણ વર્ષેથી અશુદ્ધ પાણી વિતરણ કરી દેવામાં આવે છે. ફિલ્ટર પ્લાન્ટના બધા ગેટ સડી ગયા છે તેમજ લાઈન પણ સડી ગઈ છે. આથી, પાણી ફિલ્ટર જ નથી થતું અને એક મહિનાથી ક્લોરીનેશન પણ થતું નથી. આ ફિલ્ટર પ્લાન્ટની મોરબી અપડેટની ટીમે મુલાકાત લેતા આ ચોંકાવનારી ગંભીર બેદરકારી સામે આવી હતી. ફિલ્ટર પ્લાન્ટમાં માછલીઓ તરતી દેખાઈ હતી. ફિલ્ટર પ્લાન્ટની ગંભીર હાલત દેખાઈ હતી. જેમાં ફિલ્ટર પ્લાન્ટમાં ગંદુ પાણી અને ગંદકી જોવા મળી હતી. આ ફિલ્ટર પ્લાન્ટમાં શુદ્ધતા જેવું કાંઈ દેખાયું જ ન હતું. રેઢિયાળ તંત્રના પાપે છેલ્લા ત્રણ વર્ષથી 3 લાખની પ્રજા અશુદ્ધ પાણી પીએ છે. તંત્રને જાણે લોકોના આરોગ્યની પડી જ ન હોય તેમ આવી લાલીયાવાડી ચલાવ્યા કરે છે. ત્યારે સવાલ એ છે કે ફિલ્ટર પ્લાન્ટની આવી ગંભીર બેદરકારી બહાર આવ્યા પછી ઉચ્ચ અધિકારીઓ લોકોને શુદ્ધ પાણી મળે તેવા પ્રયાસો કરશે ખરા ? ક્લોરીનેશન કરનાર કેમિસ્ટની 2007થી જગ્યા ખાલી આ ફિલ્ટર પ્લાન્ટમાં અનેક પ્રકારની ખામી સામે આવી છે. જેમાં પાણીના ક્લોરીનેશન કરવાની જેની જવાબદારી હોય છે તે કેમિસ્ટની વર્ષ 2007 થી ખાલી જગ્યા છે. ત્યારે પાણીના ક્લોરીનેશન કરનાર નિષ્ણાત જ ન હોય તો પાણી શુદ્ધ લોકોને કેવી રીતે મળે? તે ગંભીર બાબત છે. માત્ર કોન્ટ્રાકટ બેઇઝ ઉપર વર્ષોથી આ ફિલ્ટર પ્લાન્ટરની મહત્વની કામગીરી થાય છે પણ એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી કે ક્લોરીનેશન કર્યા વગરનું લોકોને પાણી આપીને તેમના આરોગ્ય સામે ગંભીર બેદરકારી દાખવામાં આવી રહી છે. 13 વર્ષથી કેમિસ્ટ વગર ફિલ્ટર પ્લાન્ટ ચાલતો હોવાથી લોકોનું આરોગ્ય છેલ્લા ત્રણ વર્ષથી ભગવાન ભરોસે છે. શું કહે છે ચીફ ઓફિસર? ફિલ્ટર પ્લાન્ટમાં પાણી શુદ્ધ કર્યા વગર લોકોને વિતરણ કરી દેવાની ગંભીર બેદરકારી મામલે ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ જણાવ્યું હતું કે ફિલ્ટર પ્લાન્ટની ખામીઓ ધ્યાને આવ્યા બાદ ટુંક સમયમાં જ ફિલ્ટર પ્લાન્ટના રિપેરીગની યોગ્ય કાર્યવાહી કરાશે અને આ ફિલ્ટર પ્લાન્ટમાં પાણી ફિલ્ટર થાય તેવી ઝડપથી કામગીરી કરીને લોકોને શુદ્ધ પાણી મળે તેવા સઘન પ્રયાસો કરાશે તેમ તેમણે જણાવ્યું હતું.