'ચમત્કાર વિના નહીં નમસ્કાર'ની ઉક્તિ સાર્થક કરતા પાણી ભરાવવાની સમસ્યાના ઉકેલની ચીફ ઓફિસર સહિતનાની ખાત્રી બાદ આંદોલનનો સુખરૂપ અંત મોરબી : વાવડી રોડ સ્થિત રોયલ પાર્કની સોસાયટીમાં સ્થાનિકોના ઘરોમાં વરસાદી અને ગટરના પાણી ઘુસી ગયા હતા. આ સમસ્યા અંગે વારંવાર કરાતી રજૂઆતો બહેરા કાને અથડાતી હતી. થોડા દિવસો પૂર્વે પડેલા અવિરત વરસાદને કારણે ઉક્ત સોસાયટીમાં ભરાયેલા પાણી અને તેને લઈને ઉદભવેલી સમસ્યાને લઈને સ્થાનિકો વિફર્યા હતા અને ગાંધી ચીંધ્યા માર્ગે છાવણી નાંખીને ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું. સ્થાનિકોના ઉપવાસ આંદોલન બાદ તંત્રના કાન ખુલ્યા હોય એમ ત્વરિત પાલિકા તંત્ર અને સ્થાનીય કાઉન્સિલર હરકતમાં આવ્યા હતા. પાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયા અને સ્થાનિક કાઉન્સિલર પ્રભુભાઈ ભૂત દ્વારા પાણી ભરાવાની સમસ્યાનો કાયમી હલ કરવાની ખાત્રી આપતા રોયલ પાર્ક સોસાયટીના સ્થાનિકોએ પારણા કરી ઉપવાસ આંદોલન સમેટવાની જાહેરાત કરી હતી.