માળીયા (મી.) : રાજકોટ નજીક ખીરસરા ગામ નજીક આવેલા લેક વ્યુ બંગલોઝમાં મૂળ માળીયા મી.ના યુવાને અકળ કારણોસર જન્મદિવસના બીજા જ દિવસે ગળે ફાંસો ખાઈ લેતા પોલીસે આપઘાતના કારણ અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બનાવની વિગતો પ્રમાણે માળીયા. મી.ના મોટા દહીંસરા ગામે રહેતા 29 વર્ષીય જયદીપ નારણભાઇ મિયાત્રાનો બે દિવસ પૂર્વે જન્મદિવસ હોય 4 મિત્રો સાથે રાજકોટના ખીરસરા ગામ સ્થિત લેક વ્યુ બંગલોઝમાં પહોંચ્યા હતા. આ બંગલો મૃતકના બનેવીનો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. ઉક્ત સ્થળે જન્મદિવસની ઉજવણી બાદ બે મિત્રો જતા રહ્યા હતા જ્યારે અન્ય બે મિત્રો સાથે મૃતક બંગલામાં રોકાયો હતો. આ દરમ્યાન ગઈ કાલે બંગલામાં આવેલ એક વૃક્ષ પર લટકી તેણે ગળાફાંસો ખાઈ લીધો હતો. બીજી તરફ માળીયા પરત ફરવા માટે તૈયારી કરતા મિત્રોને જાણ થતાં જયદીપને તત્કાળ રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હતું. જન્મદિવસના બીજા જ દિવસે મોતને મીઠું કરનાર યુવાનના પરિવારમાં શોક વ્યાપી ગયો છે. મોતનું કારણ જાણવા પોલીસે વિસ્તૃત તપાસ હાથ ધરી છે. પોલિસ પાસેથી મળતી વિગતો મુજબ બે ભાઈઓમાં નાનો જયદીપ નાણાંની ધીરધારનું કામ કરતો હતો.