જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ મુખ્યમંત્રીને રજુઆત કરી ખેડૂતોને મુખ્યમંત્રી કિશાન સહાય યોજના હેઠળ સહાય આપવાની માંગ કરી મોરબી : મોરબી જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે ખેતરો પાણી ભરાતા મોટી તારાજી થઈ છે. ખેતરોમાં પાણી ફરી વળતા પાકનો સોથ વળી ગયો છે અને ખેડૂતોના પાકને વ્યાપક નુકશાની થઈ છે. આથી, ખેડૂતોને આવી કપરી સ્થિતિમાંથી ઉગારવા માટે જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયએ મુખ્યમંત્રીને રજુઆત કરી ખેડૂતોને મુખ્યમંત્રી કિશાન સહાય યોજના હેઠળ સહાય આપવાની માંગ કરી છે. રજુઆતમાં તેઓએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે ખરીફ ઋતુ માટે તમામ પાકો આવરી લઈ દુષ્કાળ, અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતો ખેડૂતોના પાકને થતા નુકશાનીનું વળતર આપવા માટે મુખ્યમંત્રી કિશાન સહાય યોજનના અમલમાં મુકવામાં આવે છે. આ સહાય યોજનામાં અતિવૃષ્ટિ મામલે દક્ષિણ ગુજરાત સિવાયના જિલ્લાઓમાં છેલ્લા 48 કલાકમાં 25 ઇંચથી વધુ વરસાદ પડ્યો હોય અને આ વરસાદથી ખેડૂતોના પાકને નુકશાન થયું હોય તો તેને અતિવૃષ્ટિનું જોખમ ગણવામાં આવે છે. તેમજ સહાયનું ધોરણ પાકની નુકશાનીની ટકાવારી 33 ટકાથી 60 ટકા હોય તો પ્રતિ હેકટર રૂ.20 હજાર અને જો 60 ટકાથી વધુ હોય તો રૂ.25 હજાર બન્નેમાં મહત્તમ ચાર હેકટરની મર્યાદામાં સહાય ચૂકવવાની જોગવાઈ કરવામાં આવી છે. ત્યારે મોરબી જિલ્લામાં તાજેતરમાં અતિ ભારે વરસાદ પડ્યો હતો. મોરબી, ટંકારા, હળવદ, વાંકાનેર અને માળીયામાં ભારે વરસાદથી ખેતીના પાકોને વ્યાપક નુકશાની થઈ છે. એટલે 33 ટકાથી પણ વધારે છે. મોરબી જિલ્લામાં 48 કલાકમાં 50 ટકા જેટલા વિસ્તારમાં 25 ઈચ અને એ સિવાયના વિસ્તારમાં 10 થી 15 ઈચ વરસાદ પડ્યો છે. આથી, ખેતીના પાકોને મોટા પ્રમાણમાં નુકશાન થયું છે. તેથી, ઉદાર મન રાખીને મોરબી જિલ્લાના ખેડૂતોને મુખ્યમંત્રી કિશાન સહાય યોજનામાં સમાવીને પાકોની નુકશાનીનો યોગ્ય દિશામાં સર્વે કરીને ખેડૂતોને નુકશાનીની સહાય આપવાની માંગ કરી છે.