પોલીસ વ્યાજખોરો સામે યોગ્ય કાર્યવાહી કરવાને બદલે હળવી કાર્યવાહી કરી સેટિંગ કરી લેતી હોવાની ચર્ચા હળવદ : હળવદ શહેરમાં પાછલા ઘણા વર્ષોથી વ્યાજખોરોનો ત્રાસ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. વ્યાજખોરોના ત્રાસથી અનેક લોકો હળવદ છોડી ગયાના પણ બનાવો સામે આવ્યા છે. સાથે જ ભૂતકાળમાં વ્યાજખોરોના ત્રાસથી આપઘાતના કર્યાના બનાવો પણ બન્યા હોવાનું જાગૃત લોકો જણાવી રહ્યાં છે. તેવામાં હળવદમાં વ્યાજખોરો અને પોલીસની સાંઠગાંઠને કારણે મધ્યમ વર્ગના લોકો પીસાઈ રહ્યા છે. જેથી, પોલીસ વ્યાજખોરો સામે હળવી નહીં પરંતુ આકરી કાર્યવાહી કરે તે જરૂરી છે. હળવદ શહેરમાં વ્યાજખોરોના ત્રાસનો ભોગ બનેલા એક શખ્શે થોડા દિવસ પહેલા હળવદ પોલીસ મથકે દસેક શખ્સોના નામ જોગ લેખિતમાં ફરિયાદ આપી હતી. જો કે પોલીસે આ શખ્સોને પોલીસ મથકે બોલાવી માત્ર પૂછપરછ કરી હતી જો કે એમાંના એક સરકારી શિક્ષક હોય અને તેઓ પાસેથી વધુ માલ મળી શકે તેમ હોય, જેથી પોલીસે તેને પોલીસ મથકે જ અટકાવી રાખી દમદાટી મારી હતી. અને આજે આખરે મોટી રકમનો તોડ કર્યા બાદ માત્ર કહેવા પૂરતી જ કાર્યવાહી કરી આ સરકારી શાળામાં ફરજ બજાવતા શિક્ષકને મુક્ત કર્યાની ચર્ચા શહેરમાં વહેતી થઈ છે. જો કે થોડા સમય પહેલા પણ આ શિક્ષક વિરૂદ્ધ હળવદના એક પરિવારે લેખિતમાં મોરબી જિલ્લા પોલીસ વડા અને હળવદ પોલીસ મથકે રજૂઆત કરી હતી. પરંતુ તે સમયે પણ પોલીસ દ્વારા આવા શખ્સો સામે યોગ્ય કાર્યવાહી કરવાને બદલે મોટી રકમનો તોડ કરી ભીનું સંકેલી લીધું હોવાનું જાગૃત લોકો જણાવી રહ્યા છે. ત્યારે સવાલ એ છે કે પોલીસ અને વ્યાજખોરોની સાંઠગાંઠને કારણે લોકો આવા વ્યાજખોર સખ્સોનો ભોગ બને તો રજૂઆત કરે તો ક્યા કરે? તેથી, હવે પોલીસ આવા શખ્સો પર કુણા વલણ રાખવાને બદલે યોગ્ય કાર્યવાહી કરે છે જરૂરી છે.