વિપક્ષે બજેટને ભ્રષ્ટાચારયુક્ત ગણાવીને બહુમતીના જોરે અટકાવ્યું : આગામી એક વર્ષ પરચુરણ કામો સિવાય અન્ય કોઈ કામો નહિ થઇ શકે મોરબી : મોરબી નગરપાલિકાની સાધારણ સભા ટાઉનહોલ ખાતે યોજાઈ હતી.ખાસ કરીને આ સાધારણ સભામાં પાલિકાનું બજેટ રજૂ કરવાનો મુખ્ય એજન્ડા હતો.કોરોના કાળને કારણે ગત માર્ચ માસમાં બજેટ રજૂ થઈ શક્યું ન હતું.આથી આજે બજેટ માટે મળેલી સાધારણ સભામાં પણ બજેટ મંજૂર કરવા મામલે સર્વ સંમતિ ન સધાતા બજેટ નામંજૂર કરવામાં આવ્યું હતું.આ મામલે વિપક્ષના જયરાજસિંહ જાડેજાએ વિકાસલક્ષી નહિ પણ ભષ્ટાચાર યુક્ત બજેટ હોવાથી નામંજુર કરાયું હોવાનું જણાવ્યું હતું. કોંગ્રેસ શાષિત મોરબી પાલિકાની સાધારણ સભામાં કોંગ્રેસના પાલિકા પ્રમુખ કેતન વિલપરા સહિત 18 સભ્યો અને ભાજપના જયરાજસિંહ જાડેજા સહિતના સભ્યો હાજર રહ્યા હતા.આ સાધારણ સભામાં પાલિકાના કર્મચારીઓને ડ્રેસ આપવા, કાયમી કર્મચારીઓના આવેલા રાજીનામાં મંજૂર કરવા તેમજ ઓરેવા કંપનીને ઝૂલતાપૂલના સોપાયેલા રીનોવેશન કામમાં ભાડું જૂનું જ રાખવાનો નિર્ણય લેવાયો હતો. આ સાથે સ્ટોર કમિટીના સ્ટેશનરી અને પ્રિંન્ટીગના વાર્ષિક ખર્ચને મંજૂરી આપવાનો ભાજપે વિરોધ કર્યો હતો. પવડી વિભાગના માલ સામાનના ખરીદીના ખર્ચ, ભૂગર્ભની કુંડીઓને રીપેર કરવાનો ખર્ચ, વાંચનાલયનો ખર્ચ, અમરેલી ગામનો ફરી સમાવેશ કરવાની સરકાર સમક્ષ દરખાસ્ત કરવા, સ્વચ્છતા મિશન હેઠળ સ્ટાર રેટીંગ પ્લાસ્ટિક બાયલોઝ તથા ઓડીએફ અંગેનો ઠરાવ કરવા, સોલિડ વેસ્ટના ઉપનીયમો સહિતના ઠરાવો મંજૂર કરવામાં આવ્યા હતા. મોરબીના વિકાસ માટેના મહત્વના પાલિકાના બજેટ તથા મોરબી પાલિકામાં સફાઈ કમદારોની ખાલી જગ્યા ભરવા ,પાલિકાની પાછળની જગ્યા ફાળવાના ઠરાવો નામંજુર કરાયા હતા. ભાજપના 18 સભ્યોએ બજેટ નામંજૂર કરવા મત આપ્યો હતો. જ્યારે કોંગ્રેસના 14 સભ્યોએ બજેટ મંજુર કરવા મત આપ્યો હતો. આમ બહુમતીના જોરે બજેટ નામંજૂર થયું હતું. બજેટના મંજુર કરવા મામલે ભાજપના કાઉન્સિલર જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ,કોંગ્રેસના બજેટમાં વિકાસ નહિ પણ ભષ્ટાચાર હોવાથી આ બજેટ નામંજુર કરાયું છે. જ્યારે ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ જણાવ્યું હતું કે બજેટ નામંજુર થતા આ અંગે સરકારમાં દરખાસ્ત કરવામાં આવશે. બજેટ નામંજૂર થતા કોઈ વિકાસ કામ થઈ શકશે નહીં. ઉલ્લેખનીય છે કે એકંદરે કોઈપણ પ્રકારના ગજગ્રાહ વગર પાલિકાની સાધારણ સભા પુરી થઈ હતી.