મોરબી : મોરબી શહેરની સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલ, રોડ રસ્તા અને અનેક વિસ્તારમાં તેમજ મેઈન રોડ ઉપર લાઈટ બંધ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના રમેશભાઈ રબારી દ્વારા કલેક્ટર જે. બી. પટેલને લેખીત રજૂઆત કરવામાં આવી છે. તેઓએ લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે હાલ મોરબી સહિત સમગ્ર જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક સોસાયટીઓમાં પાણીનો નિકાલ ન હોવાના કારણે ભારે વરસાદી પાણી ભરાઈ ગયા છે. અને અનેક લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે. તેમજ સોસાયટીઓના તેમજ શહેરના અનેક રસ્તાઓ પાણીના કારણે બંધ છે તેમજ ઘોવાઈ ગયેલ છે. મોરબી શહેરના રવાપર રોડ તેમજ શનાળા રોડ તથા વાવડી રોડ, પંચાસર રોડ, કન્યા છાત્રાલય રોડ, લીલાપર રોડ, લાયન્સ નગ૨, બાયપાસ રોડ પર આવેલ સોસાયટીઓ તથા લીલાપર રોડ પર આવેલ સોસાયટીઓ તેમજ સામાકાંઠે, મોરબી વિસ્તારમાં આવેલ સોસાયટીઓ તેમજ મોરબી શહેરમાં આવેલ અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયેલ હતાં અને લોકોને આ પાણી ભરાઈ જવાના કારણે ખૂબજ હાલાકી ભોગવવી પડી હતી. ઉપરોકત પાણીના નિકાલ માટે એક શ્રેષ્ઠ એન્જીનીયરોની ટીમ બનાવી આખા મોરબી શહેરમાં સર્વે કરી પાણીના નિકાલની તેમજ ધોવાણ થઈ ગયેલ રોડ-રસ્તાઓ તાત્કાલિકના ધોરણે ચાલવા લાયક બની શકે અથવા તો વાહન વ્યવહાર સરળતાથી ચાલી શકે તેવી યોગ્ય વ્યવસ્થા કરાવી મોરબી શહેરના લોકોની હાલાકી દૂર કરાવવા અરજ કરવામાં આવી છે. આ સાથે મોરબીના અનેક મેઈન રોડ, અનેક સોસાયટીઓ, શહેરના અનેક વિસ્તારોમાં તેમજ વાડી વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો પણ બંધ છે. જે પણ ચાલુ કરાવવા વિનંતી કરવામાં આવી છે. આવનારા દિવસોમાં ફરી વરસાદ થાય તો લોકોને વળી પાછી હાલાકીનો સામનો ન કરવો પડે તેવી વ્યવસ્થા થાય, તેવી અપીલ કરાઈ છે.