પશુ રક્ષા અને સંવર્ધનને બળ મળે એ માટે અપાયેલા આવેદનોમાં 8 માંગણીઓ કરાઈ : મોરબી : ગુજરાત માલધારી સેના દ્વારા સમગ્ર રાજ્યમાં 24 ઓગસ્ટના દિવસે એક સાથે જિલ્લા અને તાલુકા સ્તરે રજુઆત કરવામાં આવી હતી. આ રજૂઆતો અંતર્ગત મોરબી જિલ્લામાં પણ ગુજરાતી માલધારી સેના મોરબી જિલ્લા કલેક્ટરને લેખિત રજુઆત કરી જિલ્લામાં દબાણગ્રસ્ત થઈ ચૂકેલા ગૌચરને ખુલ્લા કરવા સહિતના 8 મુદ્દાઓ પર વિચારણા કરવા આવેદન પાઠવવામાં આવ્યું હતું. ગુજરાત માલધારી સેનાના મોરબીના પ્રમુખ ધર્મેશ આંબાભાઈ રબારીએ જિલ્લા કલેક્ટરને ગૌચર પર થયેલા દબાણો ત્વરિત દૂર કરાવવા લેખિત રજુઆત કરી છે. રાજ્યના 33 જિલ્લાના તમામ તાલુકા મથક લેવલે કરાયેલી રજુઆતમાં જાણવાયું છે કે, સમગ્ર રાજ્યમાં ગૌચરની જમીનો ઘટતી જાય છે જેને કારણે માલધારીઓ માટે પશુ સંવર્ધન કરવું અને નિભાવવું મુશ્કેલ બનતું જાય છે. આ સમસ્યાનું નિરાકરણ કરવા માટે દરેક તાલુકામાં મામલતદારની આગેવાનીમાં એક સેલની રચના કરવામાં આવે, આ સેલમાં ગુજરાત માલધારી સેનાના એક-એક કાર્યકરનો સમાવેશ કરવામાં આવે, તમામ તાલુકાઓમાં દબાણગ્રસ્ત ગૌચરનો એક સર્વે કરાવવામાં આવે, દબાણ દૂર કરવા માટે નિઃશુલ્ક પોલીસ રક્ષણ આપવામાં આવે, દરેક ગામોમાં પશુઓની ગણતરી કરવામાં આવે અને પશુઓની સંખ્યાના આધારે ગૌચરની જમીન ફાળવવામાં આવે, પશુ પાલકોને પશુઓ બાંધવા માટે કરવા પડતા વાડાની આકરણી કરી આપવામાં આવે, દર પાંચ ગામ વચ્ચે એક પશુ સારવાર કેન્દ્ર બનાવવામાં આવે અને અત્યાર સુધીમાં પશુપાલકો દ્વારા ગૌચર મુદ્દે જેટલી જેટલી અરજીઓ કરવામાં આવી છે તેનો ઝડપી પરિણામલક્ષી નિકાલ કરવામાં આવે એવી માંગણી લેખિત રજુઆતમાં કરવામાં આવી છે.