હવે વરસાદે વિરામ લેતા મોરબી-કચ્છ હાઇવે અને મોરબી શહેરનો બેઠો પૂલ ફરીથી કાર્યરત કરાયો મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સાર્વત્રિક વરસાદ હતો. જેના કારણે અનેક રોડ-રસ્તાઓ બંધ હતા. પરંતુ હવે વરસાદે વિરામ લેતા મોરબી-કચ્છ હાઇવે અને બેઠો પૂલ સહીત અનેક રોડને ફરી કાર્યરત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે પૂરના કારણે માળીયા નજીક કચ્છ હાઇવે બંધ થઈ ગયો હતો. જેથી ટ્રાફિકમાં અટવાયેલા કચ્છ જતા દર્દીને ઓક્સિજન ખાલી થતા મોરબીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મોરબી જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત વરસતા વરસાદના કારણે મોરબી જિલ્લાની જળબમ્બાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. અમુક રસ્તાઓ પર ગોઠણડૂબ કે 2-3 ફૂટ સુધી પાણી ભરાય ગયા હતા. જેના કારણે ઘણા વાહનો પાણીમાં તણાય ગયા હતા. આવી પરિસ્થિતિમાં મોરબી શહેરના રોડ રસ્તાઓ સહીત નેશનલ હાઇવે અને તમામ રસ્તાઓ સંપૂર્ણપણે બ્લોક થઇ ગયા હતા. ત્યારે માળીયા નજીક મચ્છુ નદીના પાણી હાઇવે પર ફરી વાળવામાં કારણે નેશનલ હાઇવે પરનો વાહનવ્યવહાર ખોરવતા મોરબી-કચ્છ હાઇવે પર કલાકો સુધી ટ્રાફિક જામ રહ્યો હતો. રોડ પર બંને બાજુ આશરે 15 કિલોમીટર સુધી ટ્રાફિક જામ થઇ ગયો હતો. વાહનોની લાંબી કતારો લાગી હતી. આવી પરિસ્થિતિમાં એક દર્દી એમયુલન્સમાં કચ્છ લઇ જઈ રહ્યા હતા. તે વખતે તેને ઓક્સિજન પર રાખવામાં આવ્યા હતા. પરંતુ ટ્રાફિકમાં કલાકો સુધી અટવાવાને કારણે ઓક્સિજન ગેસ ખાલી થઇ જાય તેમ હતો. આથી, દર્દીને તાત્કાલિક મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આમ, ભારે વરસાદને લીધે ગંભીર પરિસ્થિતિ ઉભી થઇ હતી. વધુમાં, ગઈકાલે માળીયા નજીક પુરના કારણે કચ્છ હાઇવે બ્લોક થઇ જતા રાતોરાત પીઆઇ જે. એમ. આલ સહિતની એલસીબીની ટીમ, SP એસ. આર. ઓડેદરા, dysp રાધિકા ભારાઈ તથા માળીયા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અને આખી રાત જહેમત ઉઠાવી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. જો કે ત્યારે એક બાજુનો જ વાહન વ્યવહાર શરુ કરાવવામાં આવ્યો હતો. જયારે આજે વહેલી સવારથી પાણી ઓસરતાં બીજી બાજુનો પણ વાહન વ્યવવહાર શરુ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ સૌરાષ્ટ્ર અને કચ્છને જોડતો એકમાત્ર નેશનલ હાઇવે હોવાથી તે બ્લોક થઇ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત, બે દિવસના અનરાધાર વરસાદ બાદ મચ્છુ-2 ડેમમાં પાણીની આવક ઓછી થતા, પહેલા 18 દરવાજા ખોલવામાં આવ્યા હતા. પરંતુ હવે માત્ર 5 દરવાજા જ ખુલ્લા છે. ત્યારે હવે પાણી ઓસરવા લગતા મોરબી શહેરનો બેઠો પૂલ આજથી શરુ કરી દેવામાં આવ્યો છે. હાલમાં પાણીનો થોડો પ્રવાહ ચાલુ છે. પણ પ્રવાહ પૂલ નીચેથી પસાર થઇ જાય છે. તેમજ પુલ પર સુરક્ષા માટેના થાંભલા હતા, તે તૂટી ગયા છે. હાલમાં બેઠો પૂલ પર વાહન વ્યવહાર ચાલુ કરી દેવામાં આવ્યો છે.