ડેમમાં 70 હજાર ક્યુસેક પાણીની આવક સામે 18920 ક્યુસેક પાણીની જાવક શરૂ કરાઈ ડેમી-2 ડેમના 14 દરવાજા અને ડેમી-3 ડેમના 11 દરવાજા 7 ફૂટ ખુલ્લા મોરબી : મોરબી જિલ્લાનો વિશાળકાય એવો મચ્છું-2 ડેમ ઓવરફ્લો થયો છે. જેથી તંત્ર દ્વારા તુરંત ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા છે. આ સાથે માળિયા અને મોરબી તાલુકાના 32 ગામોને એલર્ટ પણ કરી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. મોરબીના મચ્છું-2 ડેમ હાલ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. ડેમમાં 70,294 ક્યુસેક પાણીની આવક થતા ડેમ ઓવરફ્લો થયો છે. શરૂઆતમાં 5 દરવાજા 2 ફૂટ સુધી ખોલાયા બાદ થોડી જ વારમાં દરવાજાની સંખ્યા વધારીને 10 કરી દેવામાં આવી છે. હાલ ડેમના 10 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા છે. અને પાણીની 18920 ક્યુસેક જાવક શરૂ કરી દેવામાં આવી છે. ડેમના દરવાજા ખોલવામાં આવતા તંત્ર દ્વારા મોરબી તાલુકાના અમરેલી, ભળીયાદ, ધરમપુર, ગોરખીજડિયા, ગુંગણ, જોધપુર, જુના સાદુળકા, લીલાપર, પાનસર, મોરબી, નારણકા, નવા સાદુળકા, રવાપર( નદી), રવાપર, ટીંબડી, વનાળીયા, વજેપર મળી 17 ગામો તેમજ માળિયા તાલુકાના બહાદુરગઢ, દેસળા, ફાટસર, હરિપર, જુના નાગડાવાસ, મહેન્દ્રગઢ, માળિયા, મેઘપર, નવાગામ, નવા નાગડાવાસ, રાસંગપર, સોખડા, વીરવિદરકા, ફતેપર અને અમરનગર મળી 15 ગામો આમ બન્ને તાલુકાઓના 32 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ સાથે ડેમી-2 ડેમમાં પણ 72,814 ક્યુસેક પાણીની આવક થતા ડેમના 14 દરવાજા 7 ફૂટ ખોલી નાખવામાં આવ્યા છે. આ જ રીતે ડેમી-3 ડેમમાં પણ 11 દરવાજા 7 ફૂટ ખોલી નાખવામાં આવ્યા છે.