'રાષ્ટ્રવાદી પ્રખર સંગઠન' દ્વારા વિવિધ માધ્યમોમાં થતા હિન્દૂ સંસ્કૃતિ અને સનાતન ધર્મના અપમાન સામે આકરા પગલાં લેવાની માંગ મોરબી : ફિલ્મો, ટીવી સિરિયલો, વેબ સિરીઝ સહીત સોશિયલ મીડિયામાં હિન્દૂ સનાતન ધર્મ અને હિન્દૂ સંસ્કૃતિના થતા વારંવારના અપમાનને લઇ વ્યથિત થઈ આ અંગે સત્વરે યોગ્ય કરવા RPSએ (રાષ્ટ્રવાદી પ્રખર સંગઠન) જિલ્લા કલેકટરને રજુઆત કરી હતી. ભારતીય પરંપરા, હિન્દૂ સંસ્કૃતિ, સનાતન ધર્મને લઈને ફિલ્મો, ટીવી સીરીઝો, વેબ સીરીઝો અને સોશિયલ મીડિયામાં વારંવાર આપત્તીજનક કન્ટેન રજૂ કરવામાં આવે છે. સનાતન ધર્મ હિન્દૂ સંસ્કૃતિને ખરાબ ચીતરવાનો જાણે ટ્રેન્ડ બની ગયો હોય એમ સ્ટેન્ડઅપ કોમેડી અને એ પ્રકારના વાહિયાત શૉમાં સતત આ દિશામાં જાણે વ્યવસ્થિત ષડયંત્ર ચાલતું હોવાનું ફલિત થતું હોવાનું જણાવી રાષ્ટ્રવાદી પ્રખર સંગઠને આ દિશામાં યોગ્ય કરવા મોરબી જિલ્લા કલેક્ટરને રજુઆત કરી હતી. ઉપરોક્ત વિવિધ પ્લેટફોર્મ પર રજૂ થતા કન્ટેન્ટમાં માનસિક વિકૃતિ ફેલાય, સનાતન ધર્મનું અપમાન થાય અને યુવા માનસમાં પોતાની સભ્યતા વિશે જ અણગમો થાય અને પશ્ચિમી સંસ્કૃતિ વ્યાપ્ત થાય એવા નિમ્નકક્ષાના પ્રયાસો થતા હોવાનું જણાવતા રજુઆતમાં માંગ કરાઈ છે કે ઉપરોક્ત વિષય બાબતે સરકારી તંત્ર કોઈ પરિણામલક્ષી વ્યવસ્થા અમલી બનાવે. ઉક્ત કિસ્સાઓમાં ઝડપી કાર્યવાહી માટે સાયબર સેલની ટિમ જેવી કોઈ અલગ ટિમ બનાવવામાં આવે અને સનાતન ધર્મનું થતું ચીરહરણ કરનાર સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે એવું રજૂઆતના અંતમાં જતીનભાઈ ફુલતરિયા, હિતેશભાઈ લોરીયા અને કેવિનભાઈ શાહ દ્વારા જણાવવામાં આવ્યું છે.