સામાકાંઠે સો ઓરડીને જોડતા પોસ્ટ ઓફિસથી કુબેર સિનેમા સુધીના શોભેશ્વર રોડ પર લાઈટો બંધ રહેતા અંધારપટ્ટ : રાત્રીના સમયે રોડ પર ઢોર બેઠા હોવાથી સર્જાતા અકસ્માત મોરબી : મોરબીના શોભેશ્વર રોડ પરની લાઈટો લાંબા સમયથી બંધ હોવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. શોભેશ્વર રોડ પર અનેક સરકારી કચેરીઓ આવેલી છે. છતાં સરકારી તંત્ર દ્વારા જ લાઈટો ચાલુ કરવા કોઈ પગલાં લેવામાં આવતા ન હોવાથી સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. મોરબીના સામાકાંઠે આવેલા શોભેશ્વર રોડ પરની લાઈટો અવારનવાર બંધ રહેતી હોય છે. આ રોડ પર જીલ્લા પોલીસ વડાની કચેરી, જિલ્લા કલેક્ટરની કચેરી સહીત અનેક મહત્વની કચેરીઓ આવેલી છે. છતાં આ રોડ પર છેલ્લા એક સપ્તાહથી વધુ સમયથી સંપૂર્ણપણે બંધ છે. આથી, રોડ પર રાત્રે અંધકાર છવાયેલો રહે છે. સીરામીકના મોટાભાગના ઉદ્યોગપતિઓ અને કર્મચારીઓ કારખાનાએ આવવા-જવા માટે આ રોડને પસંદ કરતા હોય છે. આથી, ટ્રાફિકની સમસ્યા વધુ રહે છે. તેમજ રખડતા પશુઓ પણ રોડ પર બેઠા હોય છે. આવી સ્થિતિમાં રાહદારીઓ અને વાહનચાલકો પર અકસ્માતનું જોખમ વધી જાય છે. આથી, રાહદારીઓ, વાહનચાલકો અને સ્થાનિકો અંધારપટની સમસ્યાથી ખૂબ જ પરેશાન છે. આ સમસ્યા અંગે સ્થાનિકો દ્વારા તંત્રને રજૂઆતો પણ કરવામાં આવતી હોય છે. જે રજૂઆતોને ધ્યાને લેવામાં આવે અને નગરપાલિકા દ્વારા તાત્કાલિકના ધોરણે શોભેશ્વર રોડની પર બંધ લાઈટો ચાલુ કરવામાં આવે, તેવી માંગ ઉઠી છે.