વાંકાનેર : હાલમાં વૈશ્વિક કોરોના વાયરસ મહામારીને કારણે શાળા-કોલેજ બંધ હોય ત્યારે બાળકોનો સર્વાંગી બૌદ્ધિક વિકાસ જળવાઈ રહે, તે હેતુસર મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના પીપળીયા રાજના સીઆરસી હસમુખભાઈ મકવાણાની પ્રેરણાથી કોટડા નાયાણી પ્રાથમિક શાળાના આસિસ્ટન્ટ શિક્ષક જયદીપસિંહ નરવીરસિંહ ઝાલા ડીજીટલ પ્લેટફોર્મ થકી બાળકોને વિના મુલ્યે શિક્ષણ આપી રહ્યા છે. તેઓએ પોતાની યુ-ટ્યુબ ચેનલ બનાવી છે, જેમાં રોજે રોજ ધોરણ 6 થી 10 (ગુજરાતી માધ્યમ)ના વિષય ગણિતના વિવિધ પ્રકરણને તાસરૂપે ભણાવવામાં આવે છે. આ ઉપરાંત, 'તાર્કિક” વિષયનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ “ઘર આંગણે - શાળા” નવતર અભિગમ બાળકોને વર્તમાન સમયમાં NMMS, શિષ્યવૃતિ તેમજ પ્રખરતા શોધ કસોટી અને સ્પર્ધાત્મક કસોટી વગેરેમાં અનોખી રીતે ઉપયોગી થઇ શકે છે. આમ ખરા અર્થમાં, આ માધ્યમથી ગણિત વિષય અતિ સરળ સમજુતી સાથે રજુ થતા બાળકો માટે મનપસંદ પુરવાર થયો છે. વધુમાં, વાલીઓ તથા બાળકોનું આર્થિક તેમજ માનસિક ભારણ દુર થતા education hub with zala jaydeepsinh ચેનલને હજારો વિદ્યાર્થીઓ દ્વારા ઉમળકાભેર પ્રતિસાદ મળી રહ્યો છે. આમ, વિદ્યાર્થી જીવનને સરળ તેમજ અર્થપૂર્ણ બનાવવાના હેતુને ખરા અર્થમાં સિદ્ધ કરવામાં આવ્યો છે.