કોરોનાને લઈને ગણેશ મહોત્સવના તમામ જાહેર કાર્યક્રમો રદ હોવાથી લોકો ઘરે બેઠા જ ગણપતિ મહોત્સવની ભક્તિભાવ સાથે ઉજવણી કરાશે મોરબી : મોરબીમાં આજથી ગણેશ મહોત્સવનો શુભારંભ થયો છે. જો કે આ વખતે વિધ્નહર્તાને પણ કોરોનાનું વિઘ્ન નડયું છે. આથી, કોરોનાને લઈને ગણેશ મહોત્સવના તમામ જાહેર કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. તેથી, લોકોએ આજે ગણેશ મહોત્સવના પ્રારંભે 'ગણપતિ બાપા મોરિયા'ના નાદ સાથે ભક્તિભાવપૂર્વક પોતાના ઘરમાં ગણેશજીની મૃતિઓનું સ્થાપન કર્યું છે. આજથી શરૂ થયેલા મંગલકારી વિધ્નહર્તાના આ સમગ્ર ભક્તિભાવભર્યા ગણપતિ મહોત્સવમાં લોકો ગૌરીનંદનની ભક્તિમાં તલ્લીન બની જશે. આજે મંગલકારી ગણેશ ચતુર્થીની દરેક મોરબીવાસીઓએ પોતપોતાના ઘરે રહીને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરી હતી. આજથી શરૂ થતાં મંગલકારી ગણેશ મહોત્સવના પ્રારંભે મોટાભાગના ઘરોમાં 'ગણપતિ બાપા મોરિયા'ના નાદ સાથે વિધ્નહર્તાનું સ્થાપન કરવામાં આવ્યું હતું. જો કે કોરોનાના કહેરને કારણે શહેરના એકપણ સ્થળે જાહેરમાં ગણપતિ મહોત્સવનું આયોજન કરાયું નથી અને એકપણ સ્થળે ગણપતિ દાદાના પંડાલો નાખવામાં આવ્યા નથી. માત્ર લોકો ઘરે રહીને ઘરમાં ગણપતિ દાદાનું સ્થાપન કરીને સમગ્ર ગણપતિ મહોત્સવ દરમ્યાન વિધ્નહર્તાની આરાધના કરશે. આજે ગણેશ ચતુર્થી નિમિતે ઘરે-ઘરે ગણપતિ દાદાનું સ્થાપન કરાયા બાદ ગણેશજીને પ્રિય લાડુ એટલે મોદક ધરવામાં આવ્યો હતો. તેમજ લોકોએ મોદકનો પ્રસાદ આરોગીને ભક્તિભાવપૂર્વક આજથી ગણપતિ દાદાની ભક્તિ શરૂ કરી છે. સમગ્ર ગણપતિ મહોત્સવ દરમિયાન લોકો સવાર-સાંજ ગણેશજીની આરતી, પૂજા અર્ચના કરશે અને ખાસ કરીને સમગ્ર વિશ્વ પર આવી પડેલા કોરોનાના વિઘ્નને દૂર કરવાની વિધ્નહર્તા સમક્ષ પ્રાર્થના કરી રહ્યા છે.