મોરબી : મોરબી શહેર અને જિલ્લાના વિકાસ સાથે વધતી જતી આરોગ્ય સુવિધાઓની જરૂરિયાતને પહોંચી વળવા તત્કાલીન ધારાસભ્ય કાંતિભાઈ અમૃતીયાએ જે તે સમયે મોરબી માટે મેડિકલ કોલેજની માંગણી કરી હતી. આજે જયારે મેડિકલ કોલેજ માટે રાજ્ય સરકાર તરફથી જમીંન ફાળવવામાં આવી છે ત્યારે કાંતિભાઈ અમૃતીયાએ હરખની લાગણી વ્યક્ત કરી મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહીત આ પ્રક્રિયામાં સામેલ તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો છે. મોરબી જિલ્લાની સ્થાપના થયા બાદ 15 ઓગષ્ટ 2013ના રોજ મોરબી શહેરને જિલ્લાના મુખ્ય મથકનો દરજ્જો મળ્યો હતો. ચોતરફ થતા વિકાસની સાથોસાથ આરોગ્ય ક્ષેત્રે પણ મોરબી જિલ્લો અગ્રેસર રહે એ માટે તત્કાલીન ધારાસભ્ય કાંતિભાઈ અમૃતીયાએ તારીખ 7 નવેમ્બર 2014ના રોજ આરોગ્ય મંત્રી નીતિન પટેલને મોરબીમાં મેડિકલ કોલેજ સ્થાપવા માટેની રજુઆત કરી હતી. આ અંગે નાયબ મુખ્યમંત્રી તથા આરોગ્ય મંત્રીનો હોદ્દો સાંભળતા નીતિન પટેલે સંબંધિત વિભાગને જરૂરી કાર્યવાહી કરવાની સૂચના તારીખ 17 નવેમ્બર 2014ના રોજ આપી હતી. ત્યાર બાદ મેડિકલ કોલેજ માટેની પ્રક્રિયા ક્યાં સુધી પહોંચી એ અંગે અમૃતીયાએ સતત ફોલોઅપ લેતા રહેતા આ અંગે તાજેતરમાં જ મોરબીમાં મેડિકલ કોલેજ માટે જમીન ફાળવવામાં આવી છે. આથી હવે મોરબી જિલ્લામાં અત્યાધુનિક સુવિધા સાથેની મેડિકલ કોલેજ બનશે. આ પ્રક્રિયામાં સહભાગી થનાર મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, સંગઠનના સર્વે પદાધિકારીઓ, અગ્ર આરોગ્ય સચિવ સહીત તમામ લોકોનો કાંતિ અમૃતીયાએ આભાર વ્યક્ત કર્યો હતો.